- અમદાવાદની કંપની પ્રવેગ સાથેના મેળાપીપણામાં GAICમાં રૂ.4 કરોડના કામમાં ગફલાનો મામલો
- એગ્રો ઇન્ડ. કોર્પો.માં MD હતા ત્યારે સત્તાનો લાભ ઉઠાવ્યો
- કામને સ્પ્લીટ કર્યું અને બમણાં કરતાં વધુ રેટથી એજન્સીને કામ સોંપ્યું
ગુજરાતના વનવિભાગમાં સિનિયોરિટીમાં પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ- એડિ. પીસીસીએફ મહેશસિંઘને નિવૃત્તિના આગલા દિવસે 30મી ડિસેમ્બરે નાણાકીય ગેરરીતિ બદલ રાજ્ય સરકારે ચાર્જશીટ આપી તેમને નિવૃત્તિ બાદના લાભો આપવા સામે રોક લગાવી દેતાં વનવિભાગમાં તથા સચિવાલયમાં ભારે હલચલ મચી ગઈ છે. ભારતીય વન સેવાની 1990 બેચના આ અધિકારી નિવૃત્તિ સમયે ગુજરાત ઇકોલોજી કમિશનમાં મેમ્બર સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ 2021ના અરસામાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન-જીએઆઇસીમાં મૅનેજિંગ ડિરેક્ટર હતા, ત્યારે આશરે રૂ.4 કરોડના ટેન્ડરમાં ગફલાબાજી કરવા બદલ એમની સામે આ પગલાં લેવાયા છે, એટલું જ નહીં, આ કેસના કારણે એમણે વનવિભાગમાં સૌથી ઊંચા પીસીસીએફ દરજ્જાના પ્રમોશનથી પણ વંચિત રખાયા છે.
ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ કાર્યરત કચેરી- સ્પેશિયલ ઑફિસ ફોર ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી દ્વારા મહેશસિંઘ સામેના આરોપ સબબ તપાસ થઈ હતી, જેનો રિપોર્ટ નવેમ્બરના અંત ભાગમાં આવતાં રાજ્ય સરકારે એમની સામે આ શિક્ષાત્મક કાર્યવાહી કરી છે. રસપ્રદ અરસામાં પીસીસીએફનું પ્રમોશન મળી શકતું હતું, પરંતુ ઉક્ત કેસના કારણે એમનું પ્રમોશન છેવટ સુધી લટકાવી રખાયું હતું અને ડીપીસીની મિટિંગ જ થવા દીધી ન હતી. આમ પણ, મહેશસિંઘે તેમની કારકિર્દી દરમિયાન વનવિભાગ બહાર જ્યાં પણ ડેપ્યુટેશન ઉપર કામ કર્યું ત્યાં તેઓ સતત વિવાદમાં જ રહ્યાં હોવાનું કહેવાય છે.
નાણાકીય કૌભાંડ શું હતું
IFS મહેશસિંઘ જીએઆઇસીમાં એમ.ડી. પદે હતા ત્યારે એપીએમસીમાં ખેડૂતોને માહિતી- જાણકારી આપવા માટે એક્ઝિબિશન લગાવાયું હતું, જેમાં રૂ.1 કરોડ સુધીના કામની સત્તા એમ.ડી. હસ્તક હોઈ તેમણે જાણીબુઝીને રાજ્ય સરકારની મંજૂરી વગર આશરે રૂ.4 કરોડના ખર્ચે સ્ટોલ્સ ઊભા કરવાના કામને ત્રણ-ચાર ટુકડામાં વહેંચી ત્રણ જ દિવસમાં અમદાવાદની કંપની પ્રવેગને બધા કામ સોંપી દીધા હતા, ઉપરાંત આ કામમાં સરકારના માહિતી ખાતાનો નીચો ભાવ લાગતો હોવા છતાં માહિતી ખાતાના રેટ કરતાં બમણો રેટ ધરાવતા ટૂરિઝમ વિભાગનો રેટ પ્રવેગ કંપનીને આપ્યો હતો, જેમાં લેતીદેતી કે ઘાલમેલ થઈ હોવાની બાબત તપાસ રિપોર્ટમાં બહાર આવી છે.


