રાજકોટ મનપામાંથી TPOના મુખ્ય અધિકારીને હટાવતાની સાથે જ ફરિયાદોના ઢગલા
રાજકોટમાં અસંખ્ય સ્થળોએ ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવે છે આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. આવું જ એક બાંધકામ ગિરિરાજ હોસ્પિટલની પાછળ ખડકાઈ રહ્યું હોવાની ફરિયાદ મનપામાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, TP શાખાના મુખ્ય અધિકારીને હટાવતાની સાથે જ ફરીથી ફરિયાદોના ઢગલા થવા લાગ્યા છે.
અરજદારોએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 150 ફૂટ રિંગરોડ પર ગિરિરાજ હોસ્પિટલની પાછળ આવેલ નવજોત પાર્ક શેરી નં.4/6 ના કાટખૂણાની જમીન જે સબ પ્લોટ 22/D ની જમીન ઉપર હાલમાં બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જે સરકારના નિયમો વિરુધ્ધ કરવામાં આવી રહ્યું છે. આ બાંધકામવાળું બિલ્ડિંગ કોમશીયલ બિલ્ડિંગ છે જે રહેણાંક વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે.
અરજદારોએ વધુમાં જણાવ્યું છે કે, 25*23 ફૂટની શેરીમાં ગેરકાયદેસર 6 માળનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે,. જેને અટકાવવા માટે મનપામાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ બિલ્ડિંગના માલિકોએ બાંધકામ કરીશું જ તેવી ખાતરી આપી છે અને ક્રાઇમ બ્રાન્ચમાં ખોટી ફરિયાદ કરવી તમને ફસાવી દેશું તેવી ધમકી ગેરકાયદેસર બાંધકામ કરતાં શખ્સોએ આપી છે. અગાઉ પણ અરજી કરેલ છે. પરંતુ મનપા દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં આવ્યા નથી.
આ બાંધકામથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે. જેથી તાકીદે મનપા દ્વારા આ ગેરકાયદેસર બાંધકામ હટાવે તેવી ફરીથી રજૂઆત કરવામાં આવી છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં રાજકોટ મનપાના મુખ્ય ટાઉન પ્લાનર સાગઠિયાની બદલી કરી નાખવામાં આવી છે. હાલ મુખ્ય અધિકારીની બદલી થતાં મનપામાં ફરીથી ગેરકાયદેસર બાંધકામની ફરિયાદો ઉઠી રહી છે.


