- ગુરુવારે મોડી સાંજે બનેલા બનાવમાં મૃતદેહોને પીએમ માટે મૂળી હોસ્પિટલ લવાયા
- ગેસની ગૂંગળામણથી રાજસ્થાનના પરપ્રાંતીય 6 મજુરોને અસર થઈ હતી
- પોલીસે દોડી જઈ બનાવની વધુ તપાસ આરંભી છે
મૂળી અને થાન તાલુકાની સરહદે આવેલા દેવપરા ગામે પરપ્રાંતીય મજૂરો કામ કરતા હતા. ત્યારે ગુરુવારે બપોરના સમયે ગેસની ગૂંગળામણથી રાજસ્થાનના પરપ્રાંતીય 6 મજુરોને અસર થઈ હતી. જેમાંથી 3 શ્રમિકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. મૃતદેહોને પીએમ માટે મૂળી સરકારી દવાખાને લઈ જવાયા છે. જયારે પોલીસે દોડી જઈ બનાવની વધુ તપાસ આરંભી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પેટાળમાં આવેલ ખનીજની બેફામ ચોરી થઈ રહી છે. તેમાં પણ જિલ્લાના થાન અને મૂળી તાલુકામાં ગેરકાયદેસર ખાણો ધમધમે છે. ગેરકાયદેસર ખાડાઓ કરીને ભુગર્ભમાંથી કરોડો રૂપિયાના કાર્બોસેલની ચોરી કરાય છે. અનેકવાર આ ગેરકાયદેસર કામોમાં શ્રમિકોના મોત પણ થયા છે. પરંતુ માણસના મોતની જાણે ક્ષુલ્લક કિંમત હોય તેમ મૃતકના પરિવારજનોને માત્ર 3-4 લાખ રૂપિયા આપીને મામલો રફેદફે કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુરૂવારે આવી જ ગેરકાયદેસર ખાણોમાં ત્રણ મજૂરોના મોત થયાનો વિગતો સામે આવી રહી છે. મળતી માહીતી મુજબ મૂળી તાલુકાના દેવપરા ગામે ગુરૂવારે બપોરના સમયે ખાડામાં શ્રમિકો ઉતર્યા હતા. આ સમયે અચાનક ગેસ ગળતર થવાથી શ્રમિકોને અસર થઈ હતી. જેમાં 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. મૃતકોને પીએમ માટે મૂળી સરકારી દવાખાને લઈ જવાયા હતા. બનાવની જાણ થતા નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એચ.પી.દોશી, એસઓજી પીઆઈ જે.એચ.ભટ્ટ, મૂળી પીએસઆઈ ડી.ડી.ચુડાસમા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને તપાસ આરંભી હતી. મળતી માહીતી મુજબ મૃતકો મુળ રાજસ્થાનના છે. જેમાં 32 વર્ષીય છનુભાઈ રાવત, 42 વર્ષીય રામદેવસીંહ રાવત અને 33 વર્ષીય રાજુભાઈ હરજીભાઈનો સમાવેશ થાય છે. આ મૃતકો સિવાય અન્ય ત્રણ લોકોને પણ ગેસની અસર થઈ હોવાનું હાલ બહાર આવી રહ્યુ છે.


