- રાત્રે મોટા પ્રમાણમાં થતી ચોરી : શખસોએ તળાવ ખોદી નાખ્યુ
- આસપાસની અન્ય સરકારી જમીનોમાંથી પણ મોટાપાયે માટીની થતી ચોરી
- તાત્કાલીક બંધ કરી જવાબદારો સામે પગલા ભરવાની માંગ ઉઠી
ગાંધીનગરમાં ભુસ્તરતંત્રની નિષ્ક્રિયતાના કારણે રેત અને હવે માટી ખનનની પ્રવૃત્તિ ફુલીફાલી છે. રેતમાફિયાઓના ડરથી ભુસ્તરની ટીમે કડક કાર્યવાહી કરવાનું જ માંડી વાળુ હોય તેમ હજુપણ સાબરમતી સહિતની નદીઓમાં મોટાપાયે રેતી ચોરી થઇ રહી છે ત્યારે બીજીતરફ કલોલના પ્રતાપપુરામાં માટી માફિયાઓએ માજા મુકી છે. અહિ છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે રીતે સરકારી જમીનો અને તળાવમાંથી મોટાપ્રમાણમાં માટી ચોરી થઇ રહી છે. જે તાત્કાલીક બંધ કરી જવાબદારો સામે પગલા ભરવાની માંગ ઉઠી છે.
આ મામલે કલોલના પ્રતાપપુરામાંથી થતી માટી ચોરી મામલે તલાટી મંત્રીએ ગાંધીનગર ભુસ્તરતંત્રને લેખિત જાણ કરી છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે છેલ્લા દસ દિવસથી અહિ રાઉન્ડ ધ ક્લોક માટી ચોરી થઇ રહી છે. માટી મોટાભાગે તળાવ અને આસપાસની સરકારી જમીનોમાંથી ખોદાઇ રહી છે. જે મશીનો દ્વારા માટી ખોદવામાં આવી રહી છે તે નંબર વગરના છે. તેઓને કોઇપણ પ્રકારનો ડર ન હોય તેમ ધોળા દિવસે પણ માટી ખોદી રહ્યા છે. આ માટી તસ્કરોએ તળાવનું પણ છોડયુ નથી. અહિથી પણ મોટા પ્રમાણમાં માટીની ચોરી થઇ રહી છે. ખાસ કરીને રાત્રીના સમયે તો અહિ માટી તસ્કરોએ માઝા મુકી છે. ઉલ્લેખનીય છેકે, કાયદેસરની લીઝ હોય તેવા વિસ્તારમાં પણ સાંજ બાદ રેતી કે માટી ખનન કરવા પર પ્રતિબંધ છે. પરંતુ ભુસ્તરતંત્રની ઢીલી નિતી અને રેતમાફિયાઓની દાદાગીરી દિનપ્રતિદિન વધી રહી છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ચોરાઉ માટી આસપાસની જીઆઇડીસી વિસ્તારમાં આવેલ પ્રાઇવે પ્લોટમાં ઠાલવવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિ ધોળા દિવસે ધમધમી રહી છે. ગેરકાયદે માટી ભરેલા વાહનો રાઉન્ડ ધ ક્લોક પસાર થઇ રહ્યા છે. પરંતુ આજદિન સુધી આ વાહનો ડિટેઇન તો ઠીક પરંતુ તેની સામે નજર નાખવાની પણ તંત્ર દ્વારા હિંમત કરવામાં આવી નથી. જેથી માટી તસ્કરો બેફામ બન્યા છે. વહેલી તકે આ પ્રવૃત્તિ બંધ કરવા માટે માંગ કરવામાં આવી છે.


