- અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા ILT-20 લીગનું આયોજન
- ડેવિડ વોર્નર, જો રૂટથી અંબાતી રાયડુ જેવા ખેલાડી ભાગ લેશે
- બુર્સના તર્જ ટ્રોફીની ઊંચાઈ 830 મિલીમીટર રાખવામાં આવી
આગામી 19 જાન્યુઆરીથી UAE માં ઇન્ટરનેશનલ લીગ T-20 (ILT-20)ની બીજી સિઝન રમાવા જઈ રહી છે. આ લીગ સાથે જોડાયેલા પૂર્વ ભારતીય ક્રિકેટર સબા કરીમે અમદાવાદમાં આ લીગ અંગેની માહિતી આપવા માટે સંદેશ ન્યૂઝના અમદાવાદ ઓફિસની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને ILT-20 ટ્રોફી અને લીગ અંગે માહિતી આપી હતી.
આ દરમિયાન સબા કરીમે જણાવ્યું કે, અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા ILT-20 લીગનું આયોજન કરવામાં આવે છે. જેમાં 6 ફ્રેન્ચાઇઝીની ટીમો ભાગ લે છે. લીગની બીજી સિઝન 19 જાન્યુઆરી 2024થી શરૂ થશે. જેમાં વિશ્વના વિવિધ ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે. જેમાં ડેવિડ વોર્નર, જો રૂટથી લઈ ભારતના અંબાતી રાયડુ જેવા ખેલાડીઓ ભાગ લેશે. આ મેચની એક ટીમની અંદર 9 ખેલાડીઓ વિદેશના અને બે ખેલાડીઓ લોકલ હશે. આ પ્રકારની ટુર્નામેન્ટથી ઘણાં ખેલાડીઓને શીખવા પણ મળે છે. જ્યાં IPL માં એક મેચમાં એક ટીમની અંદર માત્ર ચાર વિદેશી ખેલાડીઓને સમાવવામાં આવે છે.
ટ્રોફીની શું છે વિશેષતા
જ્યારે તેમણે ILT-20 ની ટ્રોફી અંગે વાત કરતાં સબા કરીમે જણાવ્યું કે, ઇન્ટરનેશનલ લીગ ટ્રોફી અનોખી છે. જેમાં UAEની સુંદરતા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેની ઊંચાઈ પણ વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફાની ઊંચાઈ જેટલી જ રાખવામાં આવી છે. બુર્જ ખલીફાની ઊંચાઈ 830 મીટર છે, તેને મિલિમીટરમાં કન્વર્ટ કર્યા પછી ટ્રોફીની ઊંચાઈ 830 મિલીમીટર રાખવામાં આવી છે.
તેમજ આ ટ્રોફી પર 7-પોઇન્ટનો તાજ UAE ના 7 રાજ્યોની એકતા દર્શાવે છે. જ્યારે 12.2 કિલો વજન યુએઈના ગૌરવનું પ્રતીક છે, કારણ કે યુએઈનો રાષ્ટ્રીય દિવસ 2 ડિસેમ્બર (12મા મહિનાનો બીજો દિવસ) ઉજવવામાં આવે છે. આ વર્ષની ટ્રોફી ટૂર પણ તે જ દિવસે શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં ટ્રોફીની અંદર એક ખૂબ જ સુંદર પેન્ડન્ટ રાખવામાં આવ્યું છે, જે ટીમ ટ્રોફી જીતશે તે જ તેને જોઈ શકશે. આ ટ્રોફી ઇંગ્લેન્ડના થોમસ લુઇટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
શું રહેશે ટ્રોફીનું ફોર્મેટ
સીઝન 1ની શાનદાર સફળતા બાદ બીજી સીઝન ક્રિકેટ એન્ટરટેઈનમેન્ટમાં નવા રેકોર્ડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થશે.જેમાં ભારતના કરોડો ક્રિકેટ પ્રેમી ચાહકોને ILT-20 સાથે જોડવા માટે, દેશમાં ટ્રોફી પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સિઝન-1માં પણ ભારતીય ચાહકોના સમર્થનથી ટૂર્નામેન્ટ સફળ રહી હતી. અમને વિશ્વાસ છે કે દેશભરના પ્રશંસકો ટ્રોફી ટૂર સાથે નવું જોડાણ બનાવવામાં સક્ષમ હશે.
વિકેટ કિપર બેટ્સમેન તરીકે ક્યા ખેલાડીમાં પ્રતિભા જુઓ છો ?
સબા કરીમે હાલના વિકેટ કિપર બેટ્સમેન અંગે વાત કરતાં જણાવ્યું કે, હાલમાં કે એલ રાહુલ વનડે ફોર્મેટ માટે સંપૂર્ણ ફીટ છે. જ્યારે ઈશાન કિશન ટી-20 માટે તો રિષભ પંત જ્યારે ટીમમાં આવશે ત્યારે તેને ટેસ્ટ મેચમાં જગ્યા મળી શકે છે. જ્યારે સંજુ સેમસન પણ સારો બેટ્સેન છે અને તેને પણ જગ્યા મળી રહેશે.


