ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025માં ઈન્ડિયા માસ્ટર્સ ટીમે દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ ટીમને 8 વિકેટથી હરાવ્યું. ઈન્ડિયા માસ્ટર્સના કેપ્ટન સચિન તેંડુલકરે ટોસ જીતીને દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો.
બોલરોએ તેમના નિર્ણયને સંપૂર્ણપણે સાચો સાબિત કર્યો. રાહુલ શર્માએ હેટ્રિક લીધી. યુવરાજ સિંહે પણ ત્રણ વિકેટ લીધી. આ બોલરોના કારણે, આફ્રિકન માસ્ટર્સ ટીમ ફક્ત 85 રન સુધી જ સિમિત રહી. આ પછી, ઈન્ડિયા માસ્ટર્સે આ લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો. યુવરાજ, રાહુલ શર્મા અને અંબાતી રાયડુ ઈન્ડિયા માસ્ટર્સની જીતમાં મોટા હીરો સાબિત થયા.
અંબાતી રાયડુએ જોરદાર રમી ઈનિંગ
નાના લક્ષ્યનો પીછો કરતી વખતે ઈન્ડિયા માસ્ટર્સની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે કેપ્ટન સચિન તેંડુલકર માત્ર 6 રન બનાવીને આઉટ થયો. આ પછી ત્રીજા નંબરે આવેલા ઈરફાન પઠાણ પણ મોટી ઈનિંગ ન રમ્યો. તે ફક્ત 13 રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ અંબાતી રાયડુ અને પવન નેગીએ ઈન્ડિયા માસ્ટર્સને વધુ કોઈ ઝટકો ન આપ્યો અને મેચ જીતી લીધી. રાયડુએ 34 બોલમાં 41 રન બનાવ્યા. તેના સિવાય, નેગીએ 12 બોલમાં 21 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓના કારણે જ ઈન્ડિયા માસ્ટર્સ ટીમ મેચ જીતવામાં સફળ રહી.
ઈન્ડિયા માસ્ટર્સની ઈનિંગ દરમિયાન ઈરફાન પઠાણ, સચિન તેંડુલકર અને વિવિયન રિચર્ડ્સનું અનોખું બોન્ડિંગ જોવા મળ્યું. આ વીડિયો ઈરફાન પઠાણે તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દક્ષિણ આફ્રિકા માસ્ટર્સના બેટ્સમેન નિષ્ફળ
દક્ષિણ આફ્રિકા માસ્ટર્સના બધા બેટ્સમેન ખરાબ રીતે ફ્લોપ રહ્યા. ફક્ત હેનરી ડેવિડ્સ 38 રન અને ડેન વિલાસ 21 રન જ બે આંકડા સુધી પહોંચી શક્યા. બાકીના બેટ્સમેન ક્રીઝ પર ટકી રહેવા માટે ઉત્સુક હતા. હાશિમ અમલાએ પણ ફક્ત 9 રન બનાવ્યા. કેપ્ટન જેક્સ કાલિસ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં. બેટ્સમેનોના ખરાબ પ્રદર્શનને કારણે આખી ટીમ ફક્ત 85 રનમાં આઉટ થઈ ગઈ.
રાહુલ શર્માએ હેટ્રિક હાંસલ કરી
ઈન્ડિયા માસ્ટર્સના બોલરો સામે દક્ષિણ આફ્રિકાના માસ્ટર્સના બેટ્સમેનો લાચાર હતા. રાહુલ શર્માએ ઈન્ડિયા માસ્ટર્સ માટે પાંચમી ઓવર નાખી અને આ ઓવરમાં તેને હેટ્રિક લીધી અને ફક્ત એક રન આપ્યો. તેને આફ્રિકન માસ્ટર્સના બેટિંગ ઓર્ડરની કરોડરજ્જુ તોડી નાખી. તેમના સિવાય યુવરાજ સિંહે પણ શાનદાર બોલિંગ કરી. તેને 2 ઓવરમાં 12 રન આપીને 3 વિકેટ લીધી. પવન નેગી અને સ્ટુઅર્ટ બિન્નીએ બે-બે વિકેટ લીધી.


