શ્રાવણ માસમાં ભગવાન શિવશંકરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. તેમના પૂજનમાં ઘણી બધી સામગ્રીઓ વપરાય છે. દૂધ, પાણી, તલ, મગ એવી કંઈક કેટલીક વસ્તુઓથી તેમને પ્રસન્ન કરવામાં આવે છે, પરંતુ બીલીપત્ર ભગવાન શંકરની પૂજામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. ભગવાન શંકરને બીલીપત્ર અર્પણ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને કેટલાય જન્મોનાં પાપમાંથી મુક્તિ મળે છે. વ્યક્તિની સઘળી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને અંતે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાન શંકરને બીલી કેટલાં પસંદ છે તે વાતનો અંદાજ અતિ પ્રચલિત પારધી અને ભગવાન શંકરની કથા પરથી આવે છે.
શિકારની શોધમાં તે બિલ્વના ઝાડ પર છુપાઈને બેઠો હતો અને અજાણતાં જ તેણે ઝાડ પરથી પાન તોડીને નીચે નાખ્યાં અને તે પાન ઝાડ નીચે રહેલા શિવલિંગ પર પડ્યાં.
આખી રાત જાગરણ થયું અને શિવજીને બિલ્વ પણ ચઢતાં રહ્યાં. અંતે અજાણતાં થયેલી પૂજાથી ભગવાન શંકર તેના પર પ્રસન્ન થયા. ભગવાન શિવને પ્રસન્ન કરનારા આ બિલ્વ કેટલાં પ્રકારનાં હોય છે તે જાણીએ.
બિલ્વપત્ર ચાર પ્રકારનાં હોય છે. અખંડ બિલ્વપત્ર, ત્રણ પાનવાળું બિલ્વપત્ર, છથી એકવીસ સુધીના પાનવાળું બિલ્વપત્ર અને શ્વેત બિલ્વપત્ર. આ બધાં જ પ્રકારનાં બિલ્વપત્રનું પોતપોતાનું આગવું મહત્ત્વ છે.
અખંડ બિલ્વપત્ર
અખંડ બિલ્વપત્રનું સંપૂર્ણ વિવરણ બિલ્વાષ્ટકમાં છે. તે પ્રમાણે `અખંડ બિલ્વપત્રમ્ નંદકેશ્વર સિદ્ધર્થ લક્ષ્મી’ અર્થાત્ તે સ્વયં લક્ષ્મી સિદ્ધ છે. એકમુખી રુદ્રાક્ષ સમાન જ તેનું મહત્ત્વ છે. તે વાસ્તુદોષનું નિવારણ પણ કરે છે. તેને ગલ્લામાં મૂકીને તેનું દરરોજ પૂજન કરવાથી વ્યાપારમાં સારો વિકાસ થાય છે.
ત્રણ પાનવાળું બિલ્વપત્ર
બિલ્વાષ્ટકમાં ત્રણ પાનવાળા બિલ્વપત્ર માટે પણ લખાયું છે. `ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્ર ચ ત્રિધાયુતમ્ ત્રિજન્મપાપ સંહાર’ એક બિલ્વપત્ર `શિવાપર્ણમ્’ તેનો અર્થ છે કે આ બિલ્વપત્ર ત્રણ ગુણોથી યુક્ત હોવાને કારણે તે ભગવાન ત્રિકાલેશ્વરને પ્રિય છે. આ બિલ્વની સાથે જો તેમને ધતૂરાનું ફૂલ અર્પણ કરવામાં આવે તો તેના ફળમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. ત્રણ પાનવાળું બિલ્વપત્ર શિવજીને અર્પણ કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોટાભાગના લોકો શિવજીને ત્રણ પાનવાળું બિલ્વપત્ર ચઢાવે છે.
છથી લઈને એકવીસ પાનવાળું બિલ્વપત્ર
જે રીતે રુદ્રાક્ષ અનેક મુખવાળા હોય છે, તે જ પ્રમાણે ત્રણ પાનવાળાં બિલ્વપત્ર પણ છથી લઈને એકવીસ પાનવાળાં હોય છે. આવાં બિલ્વપત્ર ભાગ્યે જ કોઈ ચઢાવે છે, કારણ કે તે નેપાળમાં વધુ મળી આવે છે.
શ્વેત બિલ્વપત્ર
જેવી રીતે શ્વેત પથ્થર, શ્વેત સાપ, શ્વેત નેત્ર વગેરે હોય છે, બરાબર તે જ રીતે શ્વેત બિલ્વપત્ર પણ હોય છે. આ પ્રકારનું બિલ્વપત્ર એ પ્રકૃતિની એક અણમોલ દેણ છે. શ્વેત બિલ્વનાં પાન શ્વેત બિલ્વના વૃક્ષ પર જ મળે છે. તેના પર લીલાં પાન હોતાં નથી. આ બિલ્વપત્ર ભગવાન શંકરને અર્પણ કરવાનું મહત્ત્વ વિશેષ છે. તે સર્વ મનોકામનાઓને પૂર્ણ કરનારું હોય છે.
બિલ્વ વૃક્ષનો મહિમા
એક માન્યતા એવી પ્રવર્તે છે કે, બિલ્વવૃક્ષની ઉત્પત્તિ મહાલક્ષ્મીની તપશ્ચર્યાના પરિણામરૂપ છે. તેના ફળથી આધ્યાત્મિક અજ્ઞાનતા દૂર થાય છે. બીલીનાં ફળની વિશિષ્ટતા એ છે કે, તેના પર કળી કે ફૂલ બેસતાં નથી, પણ સીધાં જ ફળ બેસે છે. કહેવાય છે કે લક્ષ્મીજીનો વાસ બિલ્વવૃક્ષની કુંજોમાં છે. બિલ્વફળ લક્ષ્મીજીની તપશ્ચર્યાનું ફળ છે. ભગવાન વિષ્ણુએ આ વિશ્વના કલ્યાણ માટે શિવલિંગનું પૂજન કર્યું હતું ત્યારે બિલ્વ લક્ષ્મીજીની હથેળીમાં ઊગેલું! તે `શ્રીવૃક્ષ’ તરીકે ઓળખાયું છે.