બ્રહ્મણ્યાધાય કર્માણિ સઙગં ત્વક્ત્વા કરોતિ ય:।
લિપ્યતે ન સ પાપેન પદ્મપત્રમિવામ્ભસા॥
ભગવાનનું પૂજન-અર્ચન કરવામાં કંકુ, અક્ષત, અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, પુષ્પ વગેરેનું વિશેષ મહત્ત્વ છે. દેવી-દેવતાઓને વિવિધ પ્રકારનાં પુષ્પ અર્પણ કરવામાં આવે છે. જેમ કે, ગુલાબ, મોગરો, ગલગોટો, કમળ વગેરે તમામ ફૂલોમાં કમળ દેવ-દેવીઓની પૂજામાં મહત્ત્વનું મનાય છે.
કમળ સત્યમ્ શિવમ્ સુંદરમ્નું પ્રતીક છે. ભગવાન પણ સત્યમ્, શિવમ્ અને સુંદરમ્ સ્વરૂપ છે, તેથી ભગવાનનાં વિવિધ અંગોને કમળની ઉપમા અપાય છે. જેમ કે, કમળનયન, કમળનેત્ર, કરકમળ અને હૃદયકમળ વગેરે. આપણાં શાસ્ત્રો અને પ્રાચીન સાહિત્યમાં કમળની ઘણી સ્તુતિઓ છે. શિલ્પસ્થાપત્ય જેવી કળાઓ પણ કમળ અને તેના વિવિધ અલંકારોથી સુશોભિત છે. સંપત્તિની દેવી શ્રીલક્ષ્મી કમળના આસન ઉપર બિરાજે છે તથા એમના હાથમાં પણ કમળપુષ્પ હોય છે.
સૂર્યોદય વખતે કમળ ખીલે છે અને સૂર્યાસ્ત સમયે બિડાઈ જાય છે, એવી જ રીતે જ્ઞાનપ્રકાશમાં આપણું મન ઉન્નત થાય છે. કમળ કાદવમાં ઊગે છે અને વિકસે છે. તે કાદવમાં પણ સ્વચ્છ અને સુઘડ રહે છે. આ બાબત આપણને શીખવે છે કે આપણે પણ કમળની જેમ બધી જ પરિસ્થિતિમાં સુંદર અને શુદ્ધ રહેવું જોઈએ. હંમેશાં પાણીમાં રહેવા છતાં કમળનું પાંદડું કદી ભીંજાતું નથી. દુ:ખ અને અસ્થિરતાથી સભર દુનિયામાં અવિચલિત રહેનાર જ્ઞાનીનું પ્રતીક છે. ભગવદ્ગીતાના શ્લોકમાં આ વાત કહેવાય છે.
– પરબ્રહ્મને અર્પણ કરીને, આસક્તિ ત્યજીને જે પુરુષ કર્મો કરે છે તે (પુરુષ) જળ વડે કમળપત્રની પેઠે પાપ વડે લેવાતી નથી.
આપણા શરીરમાં સાત ચક્રો આવેલાં છે. આ દરેક ચક્ર અમુક સંખ્યાની પાંખડીવાળા કમળ સાથે સરખાવેલું છે. હજાર પાંખડીઓવાળું સહસ્ત્રચક્ર માથા ઉપર આવેલું છે. યોગીને જ્યારે સાક્ષાત્કાર થાય છે ત્યારે તે ખૂલે છે. આ સિવાય ધ્યાનમાં બેસનાર સાધકને પદ્માસનમાં બેસવાનું જણાવાયું છે.
ભગવાન વિષ્ણુની નાભિમાંથી કમળની ઉત્પત્તિ થઈ. જેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા અને તેમણે સૃષ્ટિની રચના કરી, તેથી કમળ સૃષ્ટિ અને તેના સર્જકને સાંકળતી કડી છે. વળી, તે બ્રહ્માના નિવાસસ્થાન-બ્રહ્મલોકનું પણ પ્રતીક છે. એવું પણ માનવામાં આવે છે કે સ્વસ્તિકનું શુભ ચિહ્ન કમળમાંથી ઉત્પન્ન થયું છે.