- 6 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી પરીક્ષા ફોર્મ ભરાશે
- પરીક્ષાના ફોર્મ ભરવા માટે બોર્ડ તરફથી સૂચના જાહેર
- ફીમાં 15 થી લઈ 50 રૂ. સુધીનો વધારો કરવામાં આવ્યો
આગામી 2024માં બોર્ડની પરીક્ષાને લઈને ફોર્મ ભરવા માટે તૈયારીઓ શરૂ થઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ-2024 માં લેવામાં આવનાર ધો. 12 ની પરીક્ષાનાં ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે.
આ માટે વિદ્યાર્થીઓ દ્વારા બને તેટલું જલ્દી ફોર્મ ભરી દેવાનું બોર્ડ દ્વારા જણાવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024 માં પરીક્ષા ફોર્મ ભરવાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ધો. 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાંની પરીક્ષાનાં ફોર્મ રેગ્યુલર ફી સાથે તા. 6.11.2023 થી તા. 15.12.2023 ના રોજ બોર્ડની વેબસાઈટ પરથી ભરી શકાશે.
બોર્ડની પરીક્ષાની ફીમાં થયો વધારો
આ ઉપરાંત ધોરણ 12 ના તમામ પ્રવાહનાં એટલે કે રેગ્યુલર, રીપીટર વિદ્યાર્થીઓનાં આવેદનપત્રો ફરજીયાત ઓનલાઈન ભરવાનાં રહેશે. તેની સાથે જ શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલા ફીમાં વધારા વિશે વિગતવાર વાત કરીએ તો ધોરણ 10ની ફી 355 રૂપિયાથી વધારીને 399 રૂપિયા કરવામાં આવી છે.
જયારે બીજી ધોરણ 10માં કુલ 13 કેટેગરી આવેલી છે. કેટેગરી વાઈઝ લઘુત્તમ રૂ.15થી 40 સુધીનો વધારો કરાયો છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં નિયમિત ફી રૂ.655થી વધારી રૂ.665 કરાઈ છે. તો ધોરણ 12 કોમર્સમાં નિયમિત ફી રૂ.490થી વધારીને રૂ.540 કરાઈ છે.
ક્યારે લેવામાં આવશે બોર્ડની પરીક્ષા
નોંધનીય છેકે, ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ- 2024ની પરીક્ષા તારીખ 11/03/2024થી તારીખ 26/03/2023 દરમિયાન લેવામાં આવશે. જેના માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઈ છે.


