- PTIએ PML-N નેતાઓની જીતને લાહોર હાઈકોર્ટમાં પડકાર્યો
- ચૂંટણી પંચે PTIનું ચૂંટણી ચિન્હ છીનવી લેતા નોંધાવી હતી અપક્ષ દાવેદારી
- ફોર્મ-45 મુજબ, હારી ગયા હતા નવાઝ-મરિયમ: અરજદાર
PML-Nના સુપ્રીમો નવાઝ શરીફ અને તેમની પુત્રી મરિયમ નવાઝની જીતના વિરોધમાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) એ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો કર્યો છે. પીટીઆઈએ શનિવારે 10 ફેબ્રુઆરીના રોજ PML-N નેતાઓની જીતને લાહોર હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેમાં ચૂંટણીમાં હેરાફેરી કર્યાનો આરોપ લગાવ્યો છે.
પીટીઆઈએ કહ્યું કે ચૂંટણી પંચે મત ગણતરી દરમિયાન યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું ન હતું. ચૂંટણી હારી ગયેલા પીટીઆઈ સમર્થિત ઉમેદવારોએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ નકલી પરિણામોના આધારે નવાઝ અને મરિયમ વિજેતા જાહેર કર્યા હતા.
ચૂંટણી પંચે પાર્ટી પાસેથી છીનવી લીધું હતું સિંબલ
અગાઉ, ચૂંટણી પંચે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની આગેવાની હેઠળના પીટીઆઈને તેનું પ્રતીક ક્રિકેટ બેટ છીનવી લીધું હતું, ત્યારબાદ મોટી સંખ્યામાં પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ઉમેદવારોએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.
નવાઝ શરીફે નેશનલ એસેમ્બલી-130 થી PTI સમર્થિત ડૉ યાસ્મીન રશીદ સામે 1,72,000 થી વધુ મતો મેળવીને જીત મેળવી હતી. યાસ્મીનને 113,000 થી વધુ મત મળ્યા, જ્યારે તેમની પુત્રી મરિયમ નવાઝે PTI સમર્થિત ફારુક શહઝાદ સામે 83,000 થી વધુ મતો મેળવીને NA-119 બેઠક જીતી લીધી હતી.
ફોર્મ-45 મુજબ, હારી ગયા હતા નવાઝ-મરિયમ: અરજદાર
હાઈકોર્ટમાં અરજદારોમાંના એક ડો. રશીદે કહ્યું કે તેઓએ ફોર્મ-45 મુજબ શરીફ સામે બેઠક જીત્યા હતા. બાદમાં ECPએ ફોર્મ-47 જારી કરીને PML-N સુપ્રીમોને સફળ જાહેર કર્યા. એ જ રીતે, શહઝાદે કહ્યું કે મરિયમ મતદાન મથક (ફોર્મ-45) ના પરિણામો અનુસાર સીટ હારી ગયા હતા, પરંતુ નકલી ફોર્મ-47 દ્વારા તેણીને વિજેતા જાહેર કરવામાં આવી હતી.
શું છે ફોર્મ 45?
ફોર્મ 45 જેને સામાન્ય રીતે ‘રિઝલ્ટ ઓફ કાઉન્ટિંગ’ ફોર્મ પણ કહેવામાં આવે છે તે પાકિસ્તાની ચૂંટણી પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ રેકોર્ડ છે, જેનો હેતુ ચોક્કસ મતદાન મથક પર મતદાન પ્રક્રિયાના પરિણામોનું દસ્તાવેજીકરણ કરવાનો છે.
પીટીઆઇ સમર્થિત વધુ એક હારેલા ઉમેદવારે મુલ્તાનમાં PPPના પૂર્વ પ્રધાનમંત્રી યુસુફ રઝા ગિલાનીની જીતને પડકારી હતી. જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીની દીકરી શાહર બાનોએ પણ આ જ રીતે આરોપ લગાવીને પોતાની હારને પડકારી છે.


