- ED અધિકારીઓ સામે બંગાળ પોલીસની તપાસની તારીખ લાંબાવી
- કોલકાતા હાઈકોર્ટે પોલીસની તપાસ પર 31 માર્ચ સુધી લગાવી રોક
- તપાસ પર સ્ટે મુકતા કોર્ટે રાજ્ય સરકારને કેસ ડાયરી કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ
કોલકાતા હાઈકોર્ટે બંગાળ પોલીસને મોટો ફટકો લાગ્યો છે. કોલકાતા હાઈકોર્ટે ED અધિકારીઓ સામે બંગાળ પોલીસની તપાસ પર 31 માર્ચ સુધી રોક લગાવી દીધી છે. જોકે સંદેશખાલી કેસ પછી, EDએ પશ્ચિમ બંગાળ પોલીસની FIR વિરુદ્ધ કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં કોર્ટને FIR રદ કરવાની માંગ કરવામાં આવી હતી. તપાસ પર સ્ટે મુકતા કોર્ટે રાજ્ય સરકારને કેસ ડાયરી કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. સમગ્ર મામલે આગામી સુનાવણી 22 માર્ચે થશે
શું છે સમગ્ર મામલો?
ગતરોજ રેશન કૌભાંડ કેસમાં પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં TMC નેતા શાહજહા શેખના ઘરે દરોડો પાડવા ગયેલી EDની ટીમ પર ગ્રામજનોના ટોળાએ હુમલો કર્યો હતો. ટોળાએ ED અધિકારીઓ સાથે હાજર CRPF જવાનોના વાહનને પણ નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં EDના ત્રણ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલા બાદ બંગાળ પોલીસે ED વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
આ કેસમાં EDના વકીલે જસ્ટિસ જય સેનગુપ્તાની સિંગલ જજની બેંચનો સંપર્ક કર્યો હતો અને કોર્ટના હસ્તક્ષેપની માંગ કરી હતી. કેન્દ્રીય એજન્સીએ તેની અરજીમાં કહ્યું હતું કે તેને હજુ સુધી એફઆઈઆરની કોપી મળી નથી, પરંતુ પોલીસ અધિકારીઓ તેના અધિકારીઓના નિવેદનો રેકોર્ડ કરવા માટે તેની ઓફિસની મુલાકાત લઈ રહ્યા છે.
ED વિરુદ્ધ પણ FIR નોંધાઇ
આ કેસમાં આરોપી TMC નેતાના સહયોગીની ફરિયાદ પર ED વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ફરિયાદમાં આરોપ છે કે ED અધિકારીઓએ કોઈપણ સર્ચ વોરંટ દર્શાવ્યા વિના અને કાયદાનું ઉલ્લંઘન કરીને TMC નેતાના નિવાસસ્થાનમાં બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.


