- વર્ષ 2022માં 3,207 કરોડના 3,05,259 દસ્તાવેજ થયા હતાં
- ગતવર્ષની તુલનામાં એક હજાર કરોડ અને 31,647 દસ્તાવેજનો વધારો
- ત્રણ વર્ષમાં ક્યાં દસ હજારથી વધુ દસ્તાવેજ નોંધાયા (આવક કરોડમાં)
શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર વર્ષે 12થી 15 ટકાનો ગ્રોથ રહે છે. જેને લીધે દસ્તાવેજના આંકડામાં પણ 10 ટકાનો વધારો નોંધાયો છે. 31મી ડિસે.2023 સુધીમાં 4214 કરોડના 3,36,906 દસ્તાવેજ થયા છે. પ્રતિદિન 923 દસ્તાવેજ નોંધાયા છે. જેની સામે વર્ષ 2022માં 3207 કરોડના 3,05,259 દસ્તાવેજ થયા હતાં. 2022ની તુલનામાં 31,647 દસ્તાવેજ વધુ થયા છે અને રૂપિયા એક હજાર કરોડની આવક પણ વધી છે. રિડેવલપમેન્ટની પ્રક્રિયાને લઇને વર્ષ 2024માં દસ્તાવેજની સંખ્યામાં 15 ટકાનો વધારો થવાનો ડેવલપર્સ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે.
સરકાર દ્વારા 2023માં સ્ટેમ્પ ડયૂટી ડબલ કરવા છતાં વર્ષ 2022ની તુલનાએ 31 હજાર દસ્તાવેજ વધુ નોંધાયા છે. સરકારને 2023માં પહેલી જાન્યુઆરીથી 31મી ડિસે. સુધીમાં એક ટકો રજિસ્ટ્રેશન ફી પ્રમાણે 631 કરોડની આવક થઇ છે. જેની સામે 2022માં 485 કરોડની આવક થઇ હતી. 2023માં અંદાજે 146 કરોડની વધુ આવક થઇ છે. 2023માં સમગ્ર વર્ષ દરમિયાન સૌથી વધુ 32,450 દસ્તાવેજ સોલામાં થયા છે, જ્યારે સૌથી ઓછા 8,926 દસ્તાવેજ વેજલપુરમાં થયા છે. સરકારને એક ટકો રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડયૂટી મળી છેલ્લા ત્રણ વર્ષની સરખામણીમાં વર્ષ 2021માં 2,65,378 દસ્તાવેજની 2728 કરોડ, વર્ષ 2022માં 3,05,259 દસ્તાવેજની 3207 કરોડ અને 3,36,906 દસ્તાવેજની 4214 કરોડ આવક થઇ છે. 2024માં આ આંકડો 4500 કરોડને પાર થઇ જવાનો અધિકારીઓને અંદાજ છે.
આગામી 3 વર્ષ રિડેવલપમેન્ટ માટે અત્યંત મહત્ત્વના રહેશે
ક્રેડાઈ અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે કહ્યું કે, આગામી ત્રણ વર્ષ રિડેવલપમેન્ટના મહત્વાના છે. 2024માં હાઉસીંગ બોર્ડ અને ખાનગી સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા વેગવંતી બનશે. હાઇકોર્ટ પણ વાંધા અરજીઓમાં તથ્ય હોય તો જ કેસ ચાલે છે. ઉપરાંત નામાંકિત ઘણાં ડેવલપર્સે રિડેવલપમેન્ટમાં ઝંપલાવતા કોમ્પીટેશન વધી રહી છે. જેનાથી લોકોને વધુ ફાયદો થશે.
જિલ્લામાં સાણંદ અને ધોળકામાં 2022ની સરખાણીમાં 2023માં ત્રણ હજાર દસ્તાવેજ વધ્યા
જિલ્લામાં સાણંદમાં 2022માં 26,827 દસ્તાવેજ અને 2023માં 29,847 દસ્તાવેજ થયા છે. જ્યારે ધોળકામાં 2022માં 7,898 દસ્તાવેજની સરખામણીમાં 2023માં 11,105 દસ્તાવેજ થયા છે. બંને કચેરીઓમાં 2022ની તુલનામાં 2023માં ત્રણ હજાર દસ્તાવેજ વધુ થયા છે. બાકીની કચેરીઓમાં સામાન્ય વધારો થયો છે. સાણંદમાં ઇન્ટરનેશનલ કંપનીઓ આવી રહી હોવાથી દસ્તાવેજોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ વધારો આવનાર દિવસોમાં યથાવત રહેશે.


