- અમૂલની તર્જ ઉપર APMCનું સ્ટેટ ફેડરેશન રચવા વિચારણા
- કેરી મહોત્સવની જેમ ખેડૂતો જ અનાજ, ફળ, કઠોળનું વેચાણ કરે તેના માટે અભ્યાસ શરૂ
- નાના હોલસેલર મારફતે કૃષિ ઉત્પાદનો રિટેઈલ માર્કેટમાં વપરાશકર્તા સુધી પહોંચે છે
ગુજરાતમાં દુધ ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રે જે રીતે દુધ ઉત્પાદકોને બજાર પુરૂ પાડતા ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન- અમુલ મોડલની જેમ કૃષિ ઉત્પાદકો અર્થાત ખેડૂતોને જ સીધુ બજાર મળે તેના માટે સરકારે અભ્યાસ શરૂ કર્યો છે. તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- APMCને સાંકળીને એક રાજ્ય કક્ષાનું ફેડરેશન રચી શહેરોમાં કૃષિમોલ ઉભા કરીને વેપારી કે આડતિયા વગર છેવટના વપરાશકર્તા- ગ્રાહકો સુધી ખેડૂતો જ અનાજ, શાક, ફળ અને કઠોળનુ વેચાણ કરી શકે તેવી વ્યુહરચના માટે રાજ્યનો સહકાર વિભાગ આગળ વધી રહ્યો છે.
હાલમાં ખેડૂતો પોતાના કૃષિ ઉત્પાદનો અર્થાત જણસીઓને વેચાણ માટે 140થી વધુ APMCમાં લઈ આવે છે. જ્યાં આડતિયાઓની મારફતે મોટા વેપારીઓ હરાજીથી તેની ખરીદી કરે છે. આવા વેપારી કાચી જણસીઓને સોર્ટિંગ અર્થાત સાફસફાઈ અને પેકેજિંગ પ્રોસેસ કરીને મોટા હોલસેલરોને વેચાણ કરે છે. જ્યાંથી નાના હોલસેલર એટલે કે ડિલરો મારફતે કૃષિ ઉત્પાદનો રિટેઈલ માર્કેટમાં વપરાશકર્તા સુધી પહોંચે છે. આ ત્રણથી ચાર તબક્કાની શૃંખલાને બદલે ખેડૂતો પોતાના ઉત્પાદનોને દૂધ મંડળીની જેમ સહકારી સોર્ટિંગ અને પેકેજિંગ મંડળી રચીને સીધા બજારમાં વેચાણ કરી શકે તેના માટે શહેરોમાં મોટા કૃષિમોલ ઉભા કરવા સહકાર વિભાગે કવાયત હાથ ધરી છે. સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માએ આ દિશામાં ચાલી રહેલા અભ્યાસ અંગે જણાવ્યુ કે, ખેડૂતોને સીધુ બજાર મળી શકે તેના માટે અમુલની જેમ સહકારી મંડળીઓથી વ્યવસ્થાઓ ઉભી કરવા આઈઆઈએમ- અમદાવાદ અને સહકાર વિભાગ, નિયામકનું તંત્ર તેમજ APMC સહિતના હિતધારકો સાથે મળીને અભ્યાસ કરવામાં આવશે. બાદમાં આ દિશામાં કોઈ નક્કર નિર્ણય કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, સૌરાષ્ટ્રના તાલાલા અને વલસાડ તેમજ કચ્છની કેરીના વેચાણ માટે જે દરવર્ષે કેરી મહોત્સવ યોજીને ખેડૂતોને જ ગુજરાત અને રાજ્ય બહારનું બજાર ઉપલબ્ધ થાય છે તેવી જ રીતે કૃષિ ઉત્પાદકોને પણ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે.


