- યુવકે મિત્રતા તોડી નાખતા આવેશમાં આવી તેને કેનાલમાં ધક્કો મારી દીધાનું મિત્રનું રટણ
- મૃતકની માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હત્યારા મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
- ફરિયાદ નોંધાવતા પોલીસે લાશની કેનાલમાં શોધખોળ હાથધરી
ચાંદખેડામાં નજીવી બાબતે એક મિત્રએ યુવકને કામ છે તેમ કહીને રિક્ષામાં બેસાડી જઇને નર્મદા કેનાલ પાસે લઇ ગયો હતો. જ્યાં મિત્રએે વાતચીત કરતા સમયે યુવકને ધક્કો મારીને કેનાલમાં ફેંકી દીધો હતો. આ અંગે મૃતકની માતાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હત્યારા મિત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે લાશની કેનાલમાં શોધખોળ હાથધરી છે.
ચાંદખેડામાં ધનીબેન કેશાભાઇ સોલંકી 24 વર્ષીય દિકરો દશરથભાઇ સાથે રહે છે. ગત, ઓક્ટોમ્બર માસમાં ધનીબેનના એક સંબંધીને સચીન કનુભાઇ પટણી સાથે ઝઘડો થયો હતો. આથી ધનીબેને તેમના દીકરા દશરથને સચીન અને તેના ભાઇ કૈવલ સાથે મિત્રતા ન રાખવા માટે સમજાવ્યો હતો. જેથી દશરથે મિત્રતા તોડી નાંખી હતી. આથી કૈવલે ધમકી આપી કે, દશરથને સમજાવી દેજો મારી સાથે ના રહે નહીં તો ખોવાઇ જશે. બાદમાં ગત, 28 નવેમ્બરે દશરથ મોડી રાત સુધી ઘરે પરત આવ્યો ન હતો. જેથી પરિવારે કૈવલની પૂછપરછ કરતા તે કંઇ જવાબ આપતો ન હતો. આથી ધનીબેને ચાંદખેડા પોલીસને જાણ કરતા તેઓએ કૈવલની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું કે, તે દશરથને નર્મદા કેનાલ પાસે લઇ ગયો હતો અને તેને કેનાલમાં ધક્કો મારીને ફેંકી દીધો હતો.


