- અપહરણ કરીને અડાલજ લઈ જઈને માર મારી કેનાલમાં ફેંકી દીધો
- પાડોશી મિત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
- પરિવારે મિત રબારી પર આક્ષેપો કરીને અપહરણની ફરીયાદ નોંધાવી હતી
ચાંદખેડામાં યુવકનું અપહરણ કરીને હત્યાના ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીની બહેનની સાથે પ્રેમ સંબંધની શંકા રાખીને ભાઇએ મિત્રની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે ગુમ થયેલા મિલનની શોધખોળ કરતા 3 માર્ચે કડીના કરણનગર પાસેથી પસાર થતી કેનાલમાંથી તેનું મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં માથાના ભાગે ઇજાના નિશાનો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે અપહરણની સાથે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરતાં તપાસમાં મિત્રોએ જ લાકડીઓથી માર મારીને અર્ધ બેભાન હાલતમાં કેનાલમાં ફેંકીને હત્યા કરી હોવાનું બહાર આવ્યુ હતું. જેથી ચાંદખેડા પોલીસે હત્યાના કેસમાં મિત્ર મિત રબારી અને સિદ્ધરાજ રબારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચાંદખેડામાં આબુગિરિ સોસાયટીમાં રહેતો 19 વર્ષીય મિલન સુથારના મોબાઈલ પર 29 ફેબ્રુઆરીની રાત્રે 7 વાગે મિત રબારીનો કોલ આવ્યો હતો. મિલન મિત્રને મળવા ઘરની બહાર ગયો ત્યાર બાદથી ગુમ થયો હતો. જે બાબતે પરિવારે મિત રબારી પર આક્ષેપો કરીને અપહરણની ફરીયાદ નોંધાવી હતી. આ બાબતે ચાંદખેડા પોલીસે અપહરણની ફરીયાદમાં હત્યાની કલમો ઉમેરીને આ કેસનો ભેદ ઉકેલીને બંને આરોપીઓની ધરપકડ કરી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, આરોપી મિત અને મૃતક મિલન પાડોશી હોવાથી બંને વચ્ચે મિત્રતા હોવાથી એકબીજાના ઘરે અવરજવર પણ હતી. જેને પગલે મૃતકની મિતની બહેન સાથે મિત્રતા થઇ હતી જેની જાણ મિતને થતાં તેને બંને વચ્ચે પ્રેમસંબધ હોવાની શંકા થઇ હતી. આ બાદ મિતએ મૃતકને બહેન સાથે મિત્રતા તોડવા છેલ્લાં દોઢ મહિનાથી દબાણ કરતો હતો મિલનને બાઇક લઇ જવાના બહાને બોલાવીને તે અપહરણ કરી અડાલજ નજીક સૂમસામ જગ્યા લઇ જઇને લાકડીઓની માર મારીને કેનાલમાં ફેંકી દીધો હતો અને ઓળખીતાઓના ઘરે રોકાયા હતા.


