- નવા કલેક્ટર માર્ગદર્શિકા મુજબ કામગીરી થાય છે
- રોડ ઊંડો ખોદવા જતાં પાઇપ લાઇન આવી જાય છે
- સ્માર્ટ રોડ, ગાર્ડનિંગ, સીટિંગ બધુ કાગળ પર?
દાહોદનો સમાવેશ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ મા કરાયેલો છે પરંતુ સિધ્ધરાજ જયસિંહ તળાવ સિવાય તેની અનૂભુતિ થતી નથી.કારણ કે હાલમા આડેધડ બનતા રસ્તાઓથી તેની આસપાસના વિસ્તારોથી રસ્તા ઉંચા કરી દેવાતા ભવિષ્યમા ઘણી સમસ્યાઓ સર્જાશે તેમ લાગી રહ્યુ છે.
સ્માર્ટ સીટીનુ કામ ધીમે ધીમે શરુ થતાં સૌ પ્રથમ જમીનની અંદરના કામ શરુ કરવામા આવ્યા હતા.જેમાં ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર લાઈન વગેરેનો સમાવેશ થાય છે. આ કામ પૂર્ણ થતા હવે સ્માર્ટ રોડની કામગીરી હાલ ચાલી રહી છે. જેમાં સ્ટેશન રોડ, ગોધરા રોડ, વિશ્રામ ગૃહ રોડ અને સીમંધર જૈન મંદિર રોડનો સમાવેશ થાય છે. સ્ટેશન રોડની વાત કરીએ તો તેને સ્માર્ટ બનાવવા કેટલીયે પાકી દુકાનોના દબાણો તોડી પાડવામા આવ્યા હતા. પછી રોડનુ કામ શરુ થયુ ત્યારે કોઈ પણ પ્રકારના ખોદકામ વિના જૂના રસ્તા ઉપર જ રસ્તો બનાવી દેવાયો છે અને તેનુ કામ ચાલી રહ્યુ છે. કારણ કે આવા રસ્તાઓ ખોદી શકાય તેમ છે જ નહી કારણ કે જે કામો પહેલા જમીન નીચે કરવામા આવ્યા તેની પાઈપ લાઈનો નીચે ખોદતા જ આવી જતા જો રોડ ઉંડો ખોદવા જાય તો આવી પાઈપ લાઈનોમા ભંગાણ થાય તેમ હોવાથી આવો જોખમી નિર્ણય લેવો પડયો હોવાનું જાણવા મળ્યુ છે. એમ કહેવાતુ હતુ કે આવા સ્માર્ટ રોડ પર ગાર્ડનીંગ, સીટીંગ જેવી સુવિધાઓ સુશોભન સાથે ઉભી કરાશે પણ માત્ર રોડ પહોળો કરી તેની આસપાસ પેવર બ્લોક નાખી દેવાયા છે. જો કે આવી સુશોભન, ગાર્ડનિંગ કે સીટીંગની કોઈ સુવિધાઓ હાલ વિકસે તેમ જણાતુ નથી.જે જગ્યાએ પેવર બ્લોક નાખ્યા છે તે સ્થળે હવે અસ્થાયી દબાણો ખડકાઈ ગયા છે. રસ્તો પહોળો તો કર્યો પરંતુ ડિવાઇડર જેમ નુ તેમ છે. તો ટ્રાફ્કિ સમસ્યા નિવારવામાં સ્માર્ટ રોડ કેવી રીતે મદદરૂપ થશે તે શહેરીજનો સમજી શકતા નથી. ગોધરા રોડ પર પણ જુના રસ્તા ઉપર જ ખાંચા પાડી નવો રસ્તો બનાવી દેવાયો છે. તેવી જ રીતે સીમંધર મંદિર તરફ્ના રસ્તા પર જ નવો રસ્તો પાથરી દેવાયો છે.
આમ કરવાને કારણે બધા જ રસ્તા ઉંચા થઈ ગયા છે અને પરિણામે ચોમાસામા નીચેના વિસ્તારોમાં પાણી ભરાશે તે નિશ્ચિત લાગી રહ્યુ છે. આ ઉપરાંત કેટલાક પ્રોજેક્ટના કરોડો રુપિયા પાણીમાં ગયા છે કારણ કે ઉતાવળે ખાના પૂર્તિ કરવા પૂરા કરેલા પ્રોજેક્ટ પરિણામલક્ષી બની શક્યા નથી તે સ્પષ્ટ છે.સ્માર્ટ સીટીની કામગીરી જોતા એક પ્રશ્ન સ્વાભાવિક રીતે જ ઉભો થાય છે કે આ કામગીરીની કોઈ સમીક્ષા કરનાર છે કે પછી આ બોડી બામણીનું ખેતર છે? ત્યારે હાલમાં જ નવા કલેક્ટર મુકાયા છે અને તેઓ સ્માર્ટ સીટી કંપનીના ચેરમેન છે ત્યારે કમ સે કમ તેઓ સ્માર્ટ સીટીની કામગીરી તેની માર્ગ દર્શિકા પ્રમાણે થઈ રહી છે કે નહી તેની સમીક્ષા કરે તે જનહિતમા છે. નહીતર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીનું દાહોદને સ્માર્ટ બનાવવાનુ સપનું ચકનાચૂર થઈ જશે તો તેના જવાબદાર કોણ હશે તે જવાબદારોએ પોતે નક્કી કરવુ રહ્યુ.
પાણીના મીટર, સાઈન બોર્ડના કરોડો પાણીમાં
દાહોદમા બે ત્રણ દિવસના આંતરે માંડ પાણી મળે છે.જેથી મીટર વડે પાણીના બીલ વસુલવા ઉભા પાણીએ ચઢવા જેવુ છે. તેમ છતાં કરોડોના ખર્ચે ઘેર ઘેર પાણીના મીટર લગાવી દીધા અને પરિણામે આ મીટરો કટાઈ ગયા કે ચોરાઈ ગયા. તેવી જ રીતે 6 કરોડના ખર્ચે શહેરમા સાઇન બોર્ડ લગાવી દેવાયા હતા.બે પાંચ મીટરના અંતરે કોઈ પણ માપદંડ વિના લગાવેલા સાઈન બોર્ડ પણ શોભાના ગાંઠિયા બની રહ્યા છે અને તેમાંથી કેટલા હયાત છે તે શોધવા જેવુ છે.
ખોદતા જ પાઈપલાઈનો આવી જાય છે
ટાટા કંપનીના ક્લસ્ટર મેનેજરે જણાવ્યુ હતુ કે રોડખોદતા જ વિવિધ યુટીલીટીની પાઈપલાઈનો આવી જતા રોડ પર રોડ બનાવાયા છે.ગટરના ઢાંકણા રાઈસિગ કરાશે.પાર્કિંગ,ફુટપાથની સુવિધા છે હાલ મેજર એકટીવીટી રોડ પહોળા કરવાની છે.
સોસાયટીના એપ્રોચ રોડનું શુ?
સ્માર્ટ રોડ બનવાને કારણે કેટલાક વિસ્તારોમા તેની આસપાસ આવેલા સોસાયટીઓના એપ્રોચ રોડનો પ્રશ્ન ઉભો થયો હોવાનુ જન પ્રતિનિધિઓ દ્રારા જાણવા મળ્યુ છે ત્યારે સ્માર્ટ સીટી કંપની ભવિષ્યનુ વિચારીને કામ કરે તે જરુરી છે.


