- રણના રસ્તેથી નીમકનગર તરફ દારૂ ભરેલી કાર આવી રહી હતી
- પોલીસે દારૂ, બિયર અને કાર સહિત રૂ. 16.96 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
- આરોપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
ધ્રાંગધ્રા તાલુકાના નીમકનગરના રસ્તે રણમાંથી દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમી મળતા પોલીસે વોચ રાખી હતી. જેમાં પોલીસને કાર ચાલકે કાર મારી મુકી હતી અને કુડા રોડ પર દારૂ-બીયર ભરેલી કાર મુકી ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે રૂ. 16.96 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
ધ્રાંગધ્રા તાલુકા પીએસઆઈ એન.એચ.ચુડાસમા, દેવજીભાઈ, કુલદીપસીંહ સહિતની ટીમ નીમકનગર ઓપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે રણમાંથી નીમકનગર ગામ તરફ વિદેશી દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમી મળતા પોલીસે આડશ મુકી વોચ રાખી હતી. જેમાં શંકાસ્પદ ક્રેટા કાર આવતા તેને રોકવાની કોશિષ કરતા કાર ચાલકે સાઈડમાંથી મારી મુકી હતી. આથી પોલીસે આ કારનો પીછો કર્યો હતો. જેમાં કુડા રોડ પર બાવળની ઝાડીમાં કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી દારૂની 492 બોટલ અને બીયરના 48 ટીન મળી આવ્યા હતા. આથી પોલીસે કાર સહિત કુલ રૂ.16.96 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


