- સાંસદોના એકતરફી મતદાન બાદ પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યો
- 1958ના બંધારણ સુધારાના પક્ષમાં 780 જ્યારે વિરોધમાં ફક્ત 72 મત પડયા
- બીજી તરફ વેટિકન સહિત ગર્ભપાત વિરોધી જૂથોએ આ પરિવર્તનની કડક ટીકા કરી હતી
ફ્રાન્સમાં મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપી દેવામાં આવ્યો છે. ફ્રાન્સ આવું પગલું ભરનારો વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. પ્રેસિડેન્ટ ઇમેન્યુએલ મૈક્રોએ તેના માટે સોમવારે સંસદના બન્ને સદનોનું ખાસ સત્ર બોલાવ્યું હતું. ગર્ભપાતના અધિકારને લઇને આવેલા પ્રસ્તાવની તરફેણમાં સાંસદોના એકતરફી મતદાન બાદ તેને પાસ કરી દેવામાં આવ્યો હતો. આ બંધારણીય અધિકાર મહિલાઓને ગર્ભપાત કરવાની આઝાદી આપે છે. મૈક્રોએ જણાવ્યું હતું કે તેમણે મહિલાઓને ગર્ભપાતનો બંધારણીય અધિકાર આપવાનો વાયદો કર્યો હતો જેને આજે પૂર્ણ કર્યો છે. ફ્રાન્સના સાંસદોએ મહિલાઓને ગર્ભપાતની આઝાદી સાથે જોડાયેલાં 1958ના બંધારણને સુધારવાના પક્ષમાં 780 મત પડયા હતા જ્યારે વિરોધમાં ફક્ત 72 મત પડયા હતા. પ્રેસિડેન્ટ મૈક્રોએ આ પગલાને ફ્રાન્સના ગૌરવ સમાન ગણાવતાં તેને વિશ્વ માટે એક સંદેશ ગણાવ્યું હતું. જો કે બીજી તરફ વેટિકન સહિત ગર્ભપાત વિરોધી જૂથોએ આ પરિવર્તનની કડક ટીકા કરી હતી. ફ્રાન્સમાં 1975થી ગર્ભપાત માટે કાયદો છે. વર્ષ 1975માં ફ્રાન્સે ગર્ભપાતને કાયદેસર બનાવ્યો હતો.
એફિલ ટાવર પર મહિલાઓએ ભવ્ય ઉજવણી કરી :
સંસદમાં મતદાન અને પ્રસ્તાવના પસાર થયા બાદ પેરિસમાં એફિલ ટાવર પર માય બોડી માય ચોઇસની લાઇટના ઝળહળતા પ્રકાશ વચ્ચે મહિલાઓએ જોેરશોરથી ઉજવણી કરી હતી. વડાપ્રધાન ગેબ્રિયલે સંસદમાં મતદાન પહેલાં જણાવ્યું હતું કે અમે દેશની તમામ મહિલાઓને એક સંદેશ આપી રહ્યા છીએ કે તમારું શરીર તમારું છે અને અન્ય કોઇ તમારા માટે નિર્ણય કરી શકે નહીં. આ નિર્ણય તમે પોતે જ કરશો.


