- સ્ટેશનના પ્લેટફેર્મ પર ઉભેલી ગુડ્સ ટ્રેન પરથી
- વીજ પ્રવાહ બંધ કરી માનસિક અસ્વસ્થ યુવકને બચાવાયો
- હાઇટેંશન લાઇન પાસેની ચેનલ પર ચઢી ગયેલા યુવકને બચાવાયો હતો.
ગોધરા રેલ્વે સ્ટેશનના પ્લેટફેર્મ પર ઉભેલી ગુડ્સ ટ્રેન પર થઈ રેલવેની હાઇટેંશન લાઇન પાસે આવેલી ચેનલ ઉપર એક માનસિક અસ્વસ્થ યુવક ચઢી જતાં દોડધામ મચી ગઈ હતી. જોકે રેલવે વિભાગની સતર્કતાને પગલે યુવકનો આબાદ બચાવ થયો હતો. રેલવે વિભાગે તાત્કાલિક લાઈનનો વીજ પ્રવાહ બંધ કરાવી દીધો હતો. આ ઉપરાંત માનસિક અસ્વસ્થ યુવકનું ગોધરા નગર પાલિકા ફાયર બ્રિગેડની મદદ થી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
વેસ્ટ બંગાળના મોસીદાબાદના યુવકનો ભાઈ ગોધરા ખાતે બેકરીમાં કામ કરે છે. આ માનસિક અસ્વસ્થ યુવક અમદાવાદ ખાતે દવા સારવાર માટે આવ્યા બાદ ગોધરા ખાતે પોતાના ભાઈ પાસે રહેતો યુવક ત્રણ દિવસથી ઘરેથી કંઈ પણ કયા વિના ગુમ થઈ ગયો હતો. બીજી તરફ્ માનસિક અસ્વસ્થતા ધરાવતો યુવક સવારે આઠ વાગ્યાના અરસામાં રેલવે સ્ટેશનના પ્લેટફેર્મ નંબર એક પાસે જઈ ત્યાં ઉભેલી ગુડ્સ ટ્રેન પર થઈ વીજ લાઈન પાસે ઊભી કરવામાં આવેલી લોખંડની ચેનલ ઉપર પહોંચી ગયો હતો. જેની જાણ રેલવે વિભાગ અને પોલીસને થતાં વીજ લાઈનનો વીજ પાવર સપ્લાય બંધ કરાવી દેવામાં આવ્યો હતો અને પ્લેટફેર્મ એક પરથી પસાર થનારી તમામ ટ્રેનોને રોકી દેવામાં આવી હતી. ગોધરા નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ દોડી ગઈ હતી અને અંદાજિત વીસ મિનિટ સુધી દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કરી યુવકને હેમખેમ નીચે ઉતાર્યો હતો. ઘટનાને પગલે મુસાફરો સહિત એકત્રિત થઈ ગયા હતા.


