- પોલીસે આ કેસમાં 33ને બંધક બનાવનાર બે ભારતીયોની ધરપકડ કરતા સનસનાટી
- કૃષિ ક્ષેત્રની બે કંપનીના ભારતીય માલિકો પાસેથી રૂ. 43 લાખથી વધુ જપ્ત કરાયા
- માલિકો દ્વારા કરચોરી કરીને પૈસા સગેવગે કરાયા હોવાનો આરોપ
ઈટાલીમાં ખેતરોમાં કામ કરનાર મજૂરોને ગુલામ અને બંધક બનાવવાનો મામલો ગંભીર બની રહ્યો છે. સત્તાવાળાઓ દ્વારા આ મામલે સખત વલણ અપનાવવામાં આવ્યું છે. તાજેતરમાં વેરોના પ્રાંતમાં ભારતનાં જ 33 લોકોને બંધક બનાવીને ખેતરોમાં કામ કરાવવાનાં આરોપમાં બે ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. એક ભારતીય મજૂર સતનામ સિંહનો હાથ મશીનમાં ફસાઈને કપાઈ જવાથી હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે તેનાં માલિકનાં આદેશને પગલે તેનાં ઘરની બહાર રસ્તા પર ફેંકી દેવામાં આવ્યો હતો. ઘણું લોહી વહી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ પછી ભારતીયોને બંધક બનાવીને કાળી મજૂરી કરાવાતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. એવું જાણવા મળે છે કે 31 વર્ષનાં સતનામસિંહનાં મૃત્યુ પછી ઈટાલીમાં મજૂરો પાસે કરાવવામાં આવતી ગુલામીનો મુદ્દો મીડિયાનાં ધ્યાનમાં આવ્યો હતો.
પોલીસે ભારતીય માલિકો પાસેથી 43 લાખથી વધુ જપ્ત કર્યા
પોલીસનાં જણાવ્યા મુજબ પકડવામાં આવેલા બે ભારતીયો કૃષિ ક્ષેત્રની બે કંપનીનાં માલિક છે. આ કંપનીમાં કોઈ કર્મચારી નથી. માલિકો દ્વારા કરચોરી કરીને પૈસા સગેવગે કરાયા હોવાનો આરોપ છે. તેમની પાસેથી ફાઈનાન્સ પોલિસે 4,75,000 યુરો એટલે કે આશરે રૂ. 43 લાખથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. પકડવામાં આવેલા બંને ભારતીયો સામે લોકોને ગુલામ બનાવવા તેમજ શ્રમિક તરીકે શોષણ કરવાનાં ગુનામાં તપાસ કરવામાં આવી રહી છે.


