- રસ્તા પર વરસાદી પાણી ન ભરાય તે માટે માટીનો પાળો કરાયો હતો
- સામ-સામે 8 આરોપીઓ સામે ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
- બન્ને પક્ષે સામ-સામે ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
ચૂડા તાલુકાના ખાંડીયા ગામે રહેતા કૌટુંબીક ભાઈઓ રસ્તા પર માટીના પાળા બાબતે ઝઘડયા હતા. જેમાં સામ-સામે 8 આરોપીઓ સામે ચૂડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. બનાવની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
ચૂડા તાલુકાના ખાંડીયા ગામે રહેતા બાબુભાઈ ઉર્ફે પ્રકાશભાઈ મનસુખભાઈ વાણીયા મજુરી કામ કરે છે. તા. 28ના રોજ સાંજે તેઓ ઘર તરફ જતા હતા. ત્યારે તેમના ઘર આગળ શેરીમાં કૌટુંબીક ભાઈ સુરેશભાઈએ તેમના ઘર પાસે માટીનો પાળો કર્યો હતો. આથી બાબુભાઈએ આ પાળો નાનો કરવા અથવા હટાવવા કહ્યુ હતુ. આ વાતની દાઝ રાખી સુરેશભાઈ ગલાભાઈ, દિનેશભાઈ જગાભાઈ અને જીવણભાઈ ધુડાભાઈએ અપશબ્દો કહી શેરીમાંથી નીકળવુ નહી તેમ કહી મુઢ માર મારી ઈજા પહોંચાડી હતી. જયારે સામાપક્ષે સુરેશભાઈ વાણીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ તેઓએ ઘર પાસે વરસાદી પાણી ન ભરાય તે માટે પાળો કર્યો હતો. ત્યારે આ પાળો હટાવવાનું કહી બાબુ મનસુખભાઈ વાણીયા, મનસુખભાઈ વાણીયા, કીરણ મનસુખભાઈ વાણીયા અને જોશનાબેન કીરણભાઈ વાણીયાએ એક સંપ કરી અપશબ્દો કહી પથ્થરો મારી, ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવની સામ-સામે ફરિયાદ નોંધી વધુ તપાસ એએસઆઈ વી.વી.રાઠોડ ચલાવી રહ્યા છે.


