ઓફિસનું કોમ્પ્યુટર અને પ્રિન્ટર પણ એસીબીએ કબજે કર્યુ, જમીન-મકાનના સોદાના દસ્તાવેજમાં ક્યા બિલ્ડર સાથે સાગઠિયાની કેટલી ભાગીદારી? તટસ્થ તપાસ થશે તો ફૂટશે મોટા ફણગા
મનપાના ભ્રષ્ટ અને સસ્પેન્ડેડ પૂર્વ ટીપીઓ એમ.ડી.સાગઠિયાના ચહેરા પરથી એકપછી એક નકાબ ઉતરતો જાય છે. હજુ તો આવનાર દિવસોમાં તેની ભ્રષ્ટાચાર રૂપી સંપતિનો એકપછી એક ખજાનો ખુલે તેવી સંભાવના વચ્ચે આજે નાના મવા ટ્વીન ટાવરમાં આવેલી સાગઠિયાની પર્સનલ ઓફિસમાંથી રૂ.૫ કરોડ રોકડા અને કરોડોનું સોનુ મળી આવ્યુ છે. બેંકમાં હોય તેવી મોટી તિજોરીમાં આ ભ્રષ્ટ સંપતિ સંઘરી રાખવામા આવી હતી. ૫ મોટા બોક્સ ભરાય તેટલી રોકડ, ત્રણ બોક્સમાં સોનુ ઉપરાંત ઓફિસમાંથી કોમ્પ્યુટર-પ્રિન્ટર અને કેટલાક બિલ્ડરોના સોદાના શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા.
TRP ગેમઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠીયાની ઓફિસ ખાતે સીલ ખોલી સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનુ મળી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એસીબી પોલીસમાં સાગઠિયા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ છે. જેમાં તેની પાસે કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.10,55,37,355ની વધુ સંપતિ વસાવેલાનું જણાઇ આવેલ છે.(જો કે આ તો દરિયામાંથી લોટો કાઢીને દેખાડવા જેવુ છે). જે તેની આવકના પ્રમાણમાં 410.37% થી વધુ અપ્રમાણસર મિલકતો છે.
દરમિયાન ગઈકાલ રાતથી રાજકોટ એસીબી ટીમ દ્વારા રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ટ્વીન સ્ટાર ઓફિસમાં સીલ ખોલી સર્ચ કરવામાં આવતા 5 કરોડની રોકડ રકમ તેમજ કરોડોની કિંમતનું સોનુ મળી આવ્યું છે. એસીબી દ્વારા ઓફિસ ખાતેથી ૫ જેટલા બોક્સમાં રૂપિયા, સોનુ, એક મોટી તિજોરી, સોનાના દાગીના, પ્રિન્ટર સહિત અનેક દસ્તાવેજો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે સાગઠિયાની તપાસમાં શું નવા ખુલાસા થશે તે જોવું મહત્વનું રહેશે.
આ છે મહાગઠિયા સાગઠિયાની જાહોજલાલી
- જય બાબારી પેટ્રોલ પંપ- સોખડા, રાજકોટ
- ઈન્ડસટ્રીયલ ગોડાઉન 3- સોખડા, રાજકોટ
- જય બાબારી પેટ્રોલ પંપ- ગોમટા, ગોંડલ
- હોટલ અન્ડર કનસ્ટ્રક્શન- ગોમટા, ગોંડલ
- ફાર્મ હાઉસ- ગોમટા, ગોંડલ
- ખેતીની જમીન- ગોમટા, ગોંડલ
- ખેતીની જમીન- ચોરડી, ગોંડલ
- ઉર્જા ઈન્ડસ્ટ્રીયલમાં ગેસ ગોડાઉન- શાપર, તા. કોટડા સાંગાણી
- બાલાજી ગ્રીનપાર્કમાં પ્લોટ- મોવૈયા, તા.પડધરી
- અનામિકા સોસાયટીમાં અન્ડર કન્સ્ટ્રક્શન બંગલો- રાજકોટ શહેરમાં યુનિવર્સિટી રોડ પર
- આસ્થા સોસાયટીમાં ટેનામેન્ટ- રાજકોટ શહેરમાં માધાપર ખાતે
- સી-1701, એસ્ટર ફ્લેટ- અદાણી શાંતીગ્રામ ટાઉનશીપ, અમદાવાદ
- બી-7, 802, લા મરીના- અદાણી શાંતીગ્રામ ટાઉનશીપ, અમદાવાદ
- વાહનો કુલ- 6
- વિદેશી પ્રવાસ કુલ-8 ઉબાઈ, યુરોપ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, યુ. કે., મલેશિયા , માલદીવ, શ્રીલંકા
દરિયામાંથી લોટા સમાન દેખાડેલી બેનામી સંપતિ પણ આવક કરતા ૪૧૦.3૭ ટકા વધુ
સાગઠિયાએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીત રસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણા મેળવી, તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલકતમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દૃષ્ટિએ ફલિત થયેલ છે. કાયદેસરની આવક રૂ.2,57,17,359ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોનાં નામે કુલ રોકાણ અને ખર્ચ રૂ.132333323 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે. એટલે કે આવકના પ્રમાણમાં ३.10,55,37,355ની વધુ સંપતિ વસાવેલાનું કનાઈ આવેલ છે આવેલ છે જે તેઓની આવકના પ્રમાણમાં 410.37%થી વધુ અપ્રમાણસર મિલકતો છે.
એન્ટિ કરપ્શન બ્યુરોએ અત્યાર સુધી આટલી તપાસ કરી
ભ્રષ્ટ પૂર્વ ટીપીઓ મનસુખ ધનાભાઈ સાગઠિયા વિરૂદ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતની તા.01.04.2012 થી તા.31.05.2024 ના સમયગાળાના ચેક પિરીયડ દરમિયાન તેઓ દ્વારા વસાવવામાં આવેલ મિલકતોની તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમિયાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પૂરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોની માહિતી એકત્રીત કરવામાં આવી છે. તપાસના અંતે મળેલ તમામ વિગતોનું એસીબીના નાણાંકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવી રહ્યુ છે.
ટ્વીન ટાવરમાં જ્યાથી કરોડોનો દલો મળ્યો એ ઓફિસનો મનપાનો રૂ.67333નો વેરો બાકી
મનપાની ટેક્સ બ્રાન્ચે ઉઘરાણી માટે મારેલુ સીલ પણ બારોબાર તૂટી ગયુ
મનસુખ સાગઠિયાની ટ્વીન સ્ટાર બિલ્ડિંગમાં આવેલ ઓફિસ નંબર 901ના દરવાજા પર મહાનગરપાલિકાએ નોટિસ લગાવી છે. તેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, તા.16.11.2023 સુધીમાં રૂ. 67333નો વેરો બાકી છે. જો આ વેરો પાંચ દિવસમાં ભરવામાં નહીં આવે તો આ ઓફિસની હરાજી કરીને વેચી નાખવામાં આવશે. મનપાએ નોટિસ ચિપકાવી તેના 15 દિવસ બાદ 30 નવેમ્બરે સીલ લગાવી દીધું. જો કે, આ સીલ પણ બારોબાર તોડી નાખવામા આવ્યુ હતું. આજે 6 માસથી વધુનો સમય થઈ ગયો છે, પરંતુ ઓફિસ હરાજીથી વેંચીને વેરો વસુલવાની વાત તો દૂર રહી, સીલ તોડનાર સામે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટ પોલીસે ફરી આ ઓફિસને સીલ કરી હતી અને કોઈએ આ સીલ ખોલવું નહીં તેવી સૂચના લખી હતી.


