- કેટલીક જગ્યાએ એસ્ટેટ-ટીડીઓ અને પોલીસની રહેમનજર હેઠળ થતા દબાણો
- મ્યુનિ. એસ્ટેટ વિભાગ દ્વારા ટ્રાફિકમાં અડચણરૂપ ખુરશી, ટેબલ, લારીઓ જપ્ત કરાશે
- લારીથી લઈ વાહનો ઊભા રાખી દેવાતા હોવાને કારણે પણ ટ્રાફિકમાં મુશ્કેલી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના હાર્દ સમાન માણેકચોક વિસ્તારમાં હેરિટેજ સ્થળો રાણીના હજીરા અને બાદશાહના હજીરા પાસે રહેલા દબાણને દૂર કર્યા હતા. માણેકચોક વિસ્તારમાં ગેરકાયદેસર લારીઓ અને ટેબલ ખુરશી લગાવી ટ્રાફિકની સમસ્યા સર્જતા લારી ગલ્લાને મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરી લેવાની કાર્યવાહી કરાશે.
શહેરના કોટ વિસ્તાર ગણાતા એવા માણેકચોકમાં પ્રખ્યાત હેરિટેજ સ્થળ એવા રાણીના હજીરો અને બાદશાહનો હજીરો આવેલો છે. મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માણેકચોક વિસ્તારમાં આવેલા રાણીના હજીરા અને બાદશાહના હજીરાની આસપાસ રહેલી લારીઓ ટેબલ ખુરશી તેમજ બેનરો લગાવવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા હતા. માણેકચોક ખાણીપીણી બજારમાં લારી ધારકો પાસે લાઇસન્સ હોવાનું કહી પોલીસ તેમને ઊભા રહેવા દેતા હોવાનું જાણવા મળ્યું છે.
મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરાઈહતી. જોકે માણેકચોકમાં રાણીનો હજીરો અને બાદશાહનો હજીરો તેમજ આસપાસના વિસ્તારોમાં દિવસ દરમિયાન અને રાત્રે ગેરકાયદે લારીઓ લગાવી દેવાય છે અને ટેબલ ખુરશીઓ મૂકી દેવાતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. માણેકચોકમાં કેટલીક જગ્યાએ દિવસ દરમિયાન રોડ ઉપર જ પકોડીઓની લારીથી લઈ વાહનો ઊભા રાખી દેવાતા હોવાને કારણે પણ ટ્રાફિકમાં મુશ્કેલી ઊભી થાય છે.


