- વાંચન-લેખન-ગણનમાં મહેસાણા જિલ્લાના 60 ગામડાનાં બાળકોની સ્થિતિ કથળી
- સોશિયલ મીડિયાના 93.5 ટકા અને Onlineમાં 30.4 ટકા સાથે મહેસાણા મોખરે
- અન્ય જિલ્લાઓની સરખામણી સામે શિક્ષણ સંબંધિત વીડિયો જોનાર બાળકોની સંખ્યા મહેસાણા જિલ્લામાં ઓછી
મહેસાણા જિલ્લાનાં 60 ગામડાંમાં 1301 બાળકો કે જેમની વય 14 થી 18 વર્ષની હતી તેમનો વાર્ષિક શિક્ષા રિપોર્ટ અંગે સર્વે કરાયો હતો. જેમાં માત્ર 85.2 ટકા બાળકો જ ધો.2નાં પુસ્તક વાંચી શકે તેવી ક્ષમતા ધરાવતાં હોવાનું પ્રતિફલિત થયું છે. દેશનાં અન્ય રાજ્યોની સરખામણીમાં આ જ ઉંમરનાં મહેસાણા જિલ્લાનાં બાળકોની સરેરાશ ક્ષમતા ઓછી હોવાનું પ્રસ્થાપિત થયું છે. મહેસાણા જિલ્લામાં 60 ગામોમાં આ સર્વેક્ષણ કરાયું હતું. વર્ષ-2005થી આ પ્રકારનો વાર્ષિક શિક્ષા સ્થિતિ રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. આ સર્વેમાં મહેસાણા જિલ્લા કરતાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને કેરાળનાં બાળકો વાંચવાની અને ગણવાની વધુ ક્ષમતા ધરાવે છે.
મહેસાણા જિલ્લામાં કરાયેલા સર્વે અનુસાર વીડિયો દ્વારા અભ્યાસમાં અન્ય જિલ્લાઓની સરખામણી સામે શિક્ષણ સંબંધિત વીડિયો જોનાર બાળકોની સંખ્યા મહેસાણા જિલ્લામાં ઓછી છે. અન્ય જિલ્લામાં 86.1 ટકા સામે મહેસાણા જિલ્લામાં સપ્તાહમાં 62.9 ટકા જ લોકો શિક્ષણ સંબંધિત વીડિયો જોતા હોવાનું સાબિત થયું છે. જયારે મહેસાણા જિલ્લામાં સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. આ સર્વેમાં બાળકોની સ્કૂલમાં શિક્ષણની સ્થિતિ અને વાંચવા-લખવાની મૂળભૂત આવડત તેમજ આંકડાકીય જ્ઞાન સહિતનાં પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વાંચનની ક્ષમતામાં અન્ય રાજયોની સરખામણીમાં ગુજરાતનાં બાળકોની સ્થિતિ નબળી છે.


