- સોમવાર રાત્રે સ્વસ્તિક ચાર રસ્તા પાસે યુવકની કારને ટક્કર મારી હતી
- કારમાંથી દારૂની બોટલ પણ મળી
- વિફરેલા ટોળાંએ કર્મીને દબોચી પોલીસને સોંપ્યો
નવરંગપુરાના પોલીસ કર્મચારીએ સોમવારે મોડીરાત્રે દારૂના નશામાં પૂરઝડપે કાર હંકારીને સ્વસ્તિક ચાર રસ્તા પાસે કારને ટક્કર મારી હતી. અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઈ જતાં પોલીસ કર્મી ઉશ્કેરાયો હતો અને પીડિત યુવકને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે ટોળાંએ પકડીને તેને પોલીસને સોંપી દીધો હતો. આ કર્મીની કારમાંથી દારૂની ખાલી બોટલ પણ મળી આવી હતી. આ અંગે બી ટ્રાફિક પોલીસે આ કર્મચારી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નવરંગપુરામાં રહેતા મિત શાહ સોમવારે રાત્રે કાર લઈને એચએલ કોલેજથી નવરંગપુરા જતા હતા ત્યારે સ્વસ્તિક ચાર રસ્તા સિગ્નલ પર પહોંચ્યા તે સમયે સ્ટેડિયમ સર્કલથી એક કાર પૂરઝડપે આવી હતી અને તેમની કારને ટક્કર મારતા કારમાં ઘણું નુકસાન થયું હતું. તેમજ મિતભાઈને માથાના ભાગે સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. અકસ્માતને પગલે લોકોનાં ટોળાં એકત્ર થઇ ગયાં હતાં. દારૂના નશામાં મિત શાહને અને તેના પરિવારને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી લોકોએ નશાખોર કર્મીને પકડી રાખીને ટ્રાફ્કિ પોલીસને જાણ કરી હતી. આરોપીનું નામ અનિરુદ્ધસિંહ મહીપતસિંહ વાઘેલા હોવાનું જાણવા મળ્યું હતું પોતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે પ્રાથમિક તપાસ કરતા અનિરુદ્ધસિંહ નશાની હાલતમાં હતો. સાથે જ તેની કારમાંથી ખાલી દારૂની બોટલ અને પોલીસનો યુનિફોર્મ પણ મળી આવ્યો હતો.
ઓઢવ રિંગરોડ પર દારૂ પીઘેલા ટ્રકચાલકે કારને ટક્કર મારી
નવા નરોડામાં રહેતા ચિરાગ પરમાર સોમવારે રાત્રે પિતાને કારમાં બેસાડીને ઠાસરા અદાણી સીએનજી સ્ટેશન ખાતે જતા હતા. તેઓ ઓઢવ રિંગરોડ પર સર્કલ પાસે પહોંચ્યા ત્યારે પૂરઝડપે આવી રહેલા ટ્રકચાલકે અચાનક ટર્ન મારી ચિરાગભાઈની કાર સાથે અકસ્માત કર્યો હતો. આથી ચિરાગભાઈએ ટ્રકના ચાલકને પકડયો ત્યારે તે દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે ચિરાગભાઇએ આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં ટ્રકચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ચાલક નરપતસિંગ રાજપૂતની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


