- નલિયા લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી સૌથી ઠંડુ શહેર
- ગાંધીનગરમાં 19, અમદાવાદમાં 20.3 ડિગ્રી તાપમાન
- આગામી 5 દિવસ તાપમાનમાં વધઘટની સંભાવના
રાજ્યમાં ધીરે ધીરે ઠંડીનો ચમકારો શરૂ થયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં રાજ્યના સૌથી ઠંડા સ્તર એવા નલિયામાં સૌથી ઠંડુ શહેર બન્યું છે. જ્યાં નવેમ્બરના પ્રારંભની સાથે જ લઘુત્તમ તાપમાન 18.8 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હિમાચલ, ઉત્તરાખંડ, કાશ્મીરમાં બરફવર્ષાની અસર ધીમે ધીમે ઉત્તર ભારતથી લઈ ગુજરાત સુધી જોવા મળી રહી છે. પહાડો પર બરફવર્ષા થતા ઠંડક સમગ્ર દેશમાં પ્રસરી રહી છે.
જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપીમાં ગઈકાલેક કમોસમી વરસાદ વરસ્યો હતો. જેની અસર હેઠળ આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થઇ શકે છે. જેના કારણે ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી છે.
મોટાભાગના શહેરોમાં તાપમાન ગગડ્યું છે. જેની અસર ઘણાં વિસ્તોરામાં જોવા મળી રહી છે. રાજ્યમાં મુખ્યત્વે ગાંધીનગરમાં 19 ડિગ્રી, અમદાવાદમાં 20.3 ડિગ્રી તાપમાન પર પહોંચ્યું છે. તો હજી પણ આગામી 5 દિવસ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધઘટની સંભાવના રહેલી છે. જેની સાથે જ દિવાળી બાદ ફરી એકવાર રાજ્યમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ,આણંદ, અરવલ્લી,બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર,ખેડા,મહીસાગર, મહેસાણા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભરુચ, ડાંગ, નર્મદા, પાટણ, સુરેન્દ્રનગર,તાપી સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.


