– દશેરા-દિવાળી દરમિયાન માલસામાનની માગ ઊંચી રહ્યાના સંકેત
Updated: Nov 8th, 2023
મુંબઈ : વર્તમાન વર્ષના દશેરા તથા દિવાળીના તહેવાર પહેલા દેશમાં માલસામાનની હેરફેરમાં જોરદાર વધારો થયાનું ઈ-વે બિલના આંકડા પરથી કહી શકાય છે. રાજ્યની અંદર અને એક રાજ્યથી બીજા રાજ્યમાં માલસામાનની હેરફેર માટે વેપાર ગૃહો દ્વારા ગયા મહિને ઈ-વે બિલ્સ અથવા તો ઈલેકટ્રોનિક પરમિટ જનરેટ કરવાની સંખ્યા પ્રથમ વખત દસ કરોડને પાર કરી ગઈ છે.
જીએસટીએનના આંકડા પ્રમાણે ઓકટોબરમાં દેશમાં કુલ ૧૦.૦૩ કરોડ ઈ-વે બિલ જનરેટ થયા છે. જે દશેરા તથા દિવાળી પહેલા માલસામાનની જોરદાર હેરફેર થયાનું સૂચવે છે.
વર્તમાન વર્ષના ઓગસ્ટમાં કુલ ૯.૩૪ કરોડઈ-વે બિલ જનરેટ થયા હતા જે અત્યારસુધીનો સૌથી મોટો આંક હતો. તહેવારો ઉપરાંત ફરજપાલનમાં સખતાઈ પણ ઊંચા ઈ-વે બિલ માટે જવાબદાર હોવાનું સરકારી સુત્રો જણાવી રહ્યા છે.
ઈ-વે બિલની ઊંચી સંખ્યા દેશમાં આર્થિક પ્રવૃત્તિમાં સુધારો થયાનું પણ સૂચવે છે. દિવાળી બાદ શરૂ થનારી તહેવારોની મોસમ પહેલા પણ માલસામાનની મોટી સંખ્યામાં હેરફેર થવાની શકયતા જોવાઈ રહી છે.
રાજ્યની અંદર તથા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રૂપિયા ૫૦,૦૦૦થી વધુના મૂલ્ય સાથેના કન્સાઈનમેન્ટ માટે વેપારગૃહોએ ઈ-વે બિલ જનરેટ કરવાનું રહે છે, જેમાં માલસામાન પર ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)ની ચૂકવણી કરાઈ હોવાની વિગતો હોય છે.
દેશમાં જીએસટીની ચોરી પકડી પાડવા સત્તાવાળા ચકાસણીને વધુ સખત બનાવી રહ્યા છે જેને પરિણામે જીએસટી મારફતની આવકમાં વધારા સાથે કરચોરી પણ મોટી માત્રામાં પકડાઈ રહી હોવાનું સરકારી સુત્રોએ તાજેતરમાં જણાવ્યું હતું.
જીએસટી મારફતની આવકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બરમાં ઈ-વે બિલ જનરેશનની સંખ્યા ૯.૨૦ કરોડ રહી હતી અને વસૂલી રૂપિયા ૧.૭૨ લાખ કરોડ રહી હતી.
ઓપ્રિલથી ઓકટોબરના ગાળામાં કુલ ૬૩.૨૪ કરોડ ઈ-વે બિલ જનરેટ થયા હતા જે ગયા વર્ષના આ ગાળામાં ૫૩.૮૦ કરોડ રહ્યા હતા.