- પાકિસ્તાનમાં ચકચારી ઘટના સામે આવી
- ઈમરાન ખાનના પક્ષનો ઝંડો બન્યો દીકરાના મોતનું કારણ
- પિતા-પુત્રની રકઝક વધતા પિતાએ દીકરાની ગોળી મારી હત્યા કરી ફરાર
પાડોશી દેશ પાકિસ્તાનમાં આગામી આઠમી ફેબ્રુઆરી જનરલ ચૂંટણી યોજાવાની છે. આ માટે લોકો પોતાના ગમતા પક્ષને સમર્થન આપવા પાર્ટીના ઝંડા લહેરાતા નજરે પડી રહ્યા છે. પરંતુ આ દરમિયાન એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પાકિસ્તાનની ચૂંટણીમાં કોઈ રાજનીતિક પાર્ટીનો ઝંડો લગાવતા એક પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી નાંખી
પાકિસ્તાનથી મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં એક વ્યકિત કતર દેશથી કામ કરી પરત આવ્યો હતો. બાદમાં પેશાવરના બહારના વિસ્તારમાં પરિવારના ઘર પર પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તા તહેરિક-એ-ઈન્સાફ પાર્ટીનો ઝંડો લગાવ્યો હતો. આનાથી એના પિતાને ખૂબ ક્રોધ આવ્યો અને પિતાએ પોતાના વ્હાલસોયા બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો.
દીકરાની હત્યા કરી પિતા પલાયન
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે પિતાએ પોતાના પુત્રના ઘર પર પાકિસ્તાન તહેરિક-એ-ઈંસાફનો ઝંડો લગાવાથી ઈનકાર કર્યો હતો. પરંતુ પુત્રએ આને ઉતારવાની ના પાડી દીધી હતી. જેથી પિતા-પુત્ર વચ્ચે રકઝક વધી ગઈ હતી. ગુસ્સામાં આવીને પિતાએ ઘરથી ભાગતા પહેલા પોતાના 31 વર્ષીય દીકરાની પિસ્તોલથી ગોળી મારી દીધી હતી. ગોળી લાગ્યા બાદ પુત્રને તાબડતોબ હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે રસ્તામાં પુત્રનું મોત થયું હતું. બનાવ અંગે જાણ થતા પોલીસ હત્યારા પિતાની શોધખોળમાં લાગી ગઈ છે. પિતા રાષ્ટ્રવાદી અવામી નેશનલ પાર્ટી સાથે સંકળાયેલા હતા.
પાકિસ્તાનમાં ચૂંટણી લોહિયાળ
પાકિસ્તામાં યોજાતી ચૂંટણી ઘણીવાર હિંસાગ્રસ્ત હોય છે. ઉમેદવારો પર બોમ્બ વિસ્ફોટો, ગોળીબાર, હુમલો થવાની શક્યતા રહેલી હોય છે. મળતી માહિતી પ્રમાણે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં આશરે પાંચ હજાર અર્ધસૈનિક જવાનો અફઘાનિસ્તાન સરહદ સાથે લાગેલી ઉત્તર-પશ્ચિમી ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં તૈનાત થશે.


