- સ્થળ પરથી રૂ.3 લાખની વસૂલાત કરાઈ
- ઘરવેરા સહિતની આવક દ્વારા આયોજન કરવામાં આવે છે
- નગરપાલિકાના શાસકો દ્વારા કડક કાર્યવાહી કરવાનો નિર્ણય
પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામો માટે અને પાલિકાના વહીવટ ચલાવવાના હેતુસર અને પ્રજાજનોને સુખાકારીની સવલતો આપવા માટે ઘરવેરા સહિતની આવક દ્વારા આયોજન કરવામાં આવે છે. ત્યારે પાલિકાના માથે કરોડો રૂપિયાનુ દેવુ હોઈ તે નાણાં ભરપાઈ કરવા જરૂરી હોઈ ઘરવેરાના બાકી નીકળતા નાણાં વસુલવા માટે નગરપાલિકાના શાસકો દ્વારા કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લઈ અને બાકીદારોની મિલ્કત સિલ કરવા ઉપરાંત જો વસુલાત ન થાય તો મિલકત ટાંચમાં લઈ હરાજી કરવાની કાર્યવાહી કરવા આયોજન કરેલ છે.તેના અનુસંધાને પાલીકાના ટેક્ષ ઓફીસર નરેશભાઈ જોષી , ઈરફાનભાઈ સૈયદ તથા બીપિન પરમાર, રમેશભાઈ ડાભી, સહીતના સ્ટાફ દ્વારા બાકીદારો પાસેથી વેરાની વસુલાત માટે નીકળેલ. જેમાં શહેરના ગુરનાનક ચોક પાસે આવેલ મારૂતિ કોમ્પલેક્ષ દુકાનો તથા કિર્તિ સ્તંભ પાસે આવેલ વાસુદેવ મોલ નામના કોમ્પલેક્ષમાં બાકીદારો પાસે વેરાની માંગણી કરવામાં આવેલ. જેમાં રૂ. ત્રણ લાખની સ્થળ ઉપર વસુલાત કરવામાં આવેલ અને વાસુદેવ મોલમાં આવેલ પુરોહીત જીતેન્દ્રકુમાર વાસુદેવભાઈ અને અન્યોના નામે ચાલતી બિન રહેણાંકની 3પ દુકાનો સીલ કરવામાં આવી હતી.


