- વીંછીયા તાલુકાના કોટડા ગામના એક પરિવાર પર વ્યાજખોરોનો આંતક
- મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવતા પોલીસ આવી હરકતમાં
- મૃતકના મોટાભાઈના હાથપગ વ્યાજખોરે ભાંગી નાખ્યાં
વીંછીયા તાલુકાના કોટડા ગામના એક ગોહિલ પરિવારના જસદણ ગઢડીયા રોડ પર લોખંડની વસ્તુઓને લઈ કારખાનું ચલાવતો હતો,પરિવારને રૂપિયાની ખુબ જ જરૂર હતી અને તે સમયે લોન ના મળતા વ્યાજખોરો પાસેથી દોઢ કરોડ રૂપિયા વ્યાજે લેતા આજે પરિવારને એક સભ્ય ગુમાવવાનો વારો આવ્યો છે.પરિવારનો આક્ષેપ છે કે,જેમની પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા,તેમને 50 લાખ રૂપિયા તો ચૂકવી પણ દેવામાં આવ્યાં છે,તેમ છતાં વ્યાજની વધુ માંગણી કરતા પરિવારે ઝેર પી લીધું છે,તો પત્ની સારવાર હેઠળ છે તો પતિનું મોત થયું છે.બીજી તરફ વ્યાજખોરોએ મૃતકના ભાઈ પર જીવલેણ હુમલો કરીને હાથપગ તોડી નાંખ્યા છે.
વધી રહ્યો છે વ્યાજખોરોનો આતંક
પરિવારે રૂપિયા 50 લાખની ચૂકવણી કરી દીધા બાદ પણ વ્યાજખોરો ધરાયા ન હતા અને રૂપિયાની ઉઘરાણી ચાલુ જ રાખી હતી,તો પરિવારનું કહેવું છે કે રોજનું 5 હજાર વ્યાજ ચૂકવવામાં આવતું હતું,તો એક સમય એવો પણ આવ્યો હતો કે,વ્યાજખોરોએ પરિવારમાંથી એક વ્યકિતનું અપહરણ પણ કર્યું હતુ,અને પરિવારને જાનથી મારી નાંખવાની અવાર નવાર ધમકી પણ મળતી હતી,મૃતકના પુત્ર હિતેષ ભાઈનું કહેવું છે કે,મારા માતા-પિતાએ આજે બપોરના સમયે વાડીમાં ઝેર પીધું હતું અને તેમને સારવાર હેઠળ ખસેડયા હતા,તેમાં તેમના પિતાએ અંતિમ શ્વાસ લીધા છે,તો માતા સારવાર લઈ રહ્યાં છે.
મળી આવી સુસાઈડ નોટ
મૃતક અશોકભાઈ પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી, જે પોલીસે કબ્જે કરી છે. સ્યુસાઇડ નોટમાં તેમણે 7 વ્યાજખોરોના નામ લખ્યા હતા. હિતેશ ગોહિલે વીંછીયા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.હાલ પોલીસે તમામ વ્યાજખોરોને શોધવા માટેની કવાયત તેજ કરી છે.
વ્યાજખોરને લઈ મહેસાણામાં યોજાઈ મૌન રેલી
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયત પૂર્વ મહિલા પ્રમુખ રેણુકાબેન પટેલના પતિએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી, મનોજભાઇ પટેલ નામના વ્યક્તિએ વ્યાજખોરના ત્રાસના કારણે આપઘાત કર્યો હોવાને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી,આ કેસમાં પોલીસે બે આરોપીઓને વિજાપુરના લાડોલ ગામેથી દબોચ્યાં હતા,ત્યારે આજે વધતા વ્યાજખોરોના ત્રાસને લઈને પાટીદાર સમાજના લોકોએ મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
વ્યાજખોરો સામે હતી પોલીસની મેગા ડ્રાઈવ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવતી હતી,અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી હતું.ત્યારે કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી પણ પોલીસ રાખતી હતી,ત્યારે હવે પોલીસ ફરીથી વ્યાજખોરો સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.


