રાજ્યમાં ૬.૬૫ લાખ રેશનકાર્ડ બ્લોક કરાતા ૨૯ લાખ લોકો લાભથી વંચિત : રાજકોટ જિલ્લામાં દોઢ લાખ કાર્ડ ધારકો પરેશાન
રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ. (NFSA) ૨૦૧૩ હેઠળ નોંધાયેલા ૭૨ લાખ રેશનકાર્ડધારકોમાંથી ૬.૬૫ લાખ રેશનકાર્ડધારકો અને તેમાં સમાવિષ્ટ ૨૯ લાખ લોકોના શંકાના આધારે છેલ્લા દોઢ મહિનાથી બ્લોક (સાઇલન્ટ) કરી દેવાયા છે. એટલે કે, સાઈલન્ટ રેશનકાર્ડધારકોને મફત અનાજની યોજનાનો લાભ મળી શકતો નથી. જેમાં રાજકોટ શહેરમાં ૪૨ હજાર તથા જિલ્લામાં ૧.૫૦ લાખ રેશનકાર્ડ ધારકોને છેલ્લા એક માસથી રેશનકાર્ડ ધારકોને અનાજ મળતુ ન હોવાના કારણે આવા કાર્ડધારકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રેશનકાર્ડમાં પાંચ સભ્યોના નામ હોય અને સભ્યનો મોબાઈલ નંબર લખવાનું ભુલાઈ ગયુ હોય તેવા કાર્ડધારકોને પુરવઠા વિભાગ દ્વારા અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે જેના કારણે રાજકોટ શહેરમાં એક દુકાન દીઠ આશરે ૭૦ થી ૧૦૦ જેટલા કાર્ડ રદ કરવામાં આવ્યા છે એટલે કે શહેરમાં જ માત્ર ૪૨ હજાર જેટલાં કાર્ડ ધારકો છેલ્લા એક મહિનાથી અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે જિલ્લામાં દોઢ લાખ કાર્ડ ધારકોને અનાજ મળતુ નથી.રાજ્યમાં અમદાવાદ ઉપરાંત ભાવનગરમાં ૭૦ હજાર, મહેસાણા ૩૨ હજાર, સાબરકાંઠા ૨૬ હજાર, રાજકોટ ૩૮ હજાર, સુરત ૬૦ હજાર, વડોદરા ૧૮ હજાર, અમરેલી ૨૧ હજાર, કચ્છ ૧૫ હજાર, ગાંધીનગર ૧૬ હજાર, જામનગર ૧૯ હજાર સહિત ૩૪ જિલ્લામાં અંદાજે ૬.૬૫ લાખ રેશનકાર્ડધારકની ૨૯ લાખ જનસંખ્યાને કોઈ પણ જાતની આગોતરી જાણ કર્યા વગર સાઇલન્ટ કરી દેવાઇ છે.
મામલતદાર કચેરી દ્વારા રેશનકાર્ડમાં સમાવિષ્ટ વ્યક્તિઓના આધાર- પુરાવા ચેક કરી થમ્બ લઈને એપ્રૂવલ કરે છે. ત્યારબાદ ઝોનલ ઓફિસર અને નિયામક વેરિફિકેશન કરીને એપ્રૂવલ કરે છે. જેમાં ઘણો સમય જાય છે. સાઇલન્ટ થયેલા રેશનકાર્ડધારકોએ કાર્ડમાં સમાવિષ્ટ તમામ લોકોના આધાર-પુરાવા પોતાના મોબાઇલમાંથી કેવાયસી કરાવવાના રહેશે. પરંતુ ઓનલાઇન એપ્લિકેશન અને સર્વરના ધાંધિયા છે. આમ કલેકટર કચેરીના ઝોનલ ઓફિસર દ્વારા કામગીરી કરવાની હોય છે પરંતુ કામગીરી કરવામાં આવતી ન હોવાના કારણે કાર્ડ ધારકોને અનાજ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે.
વાયબ્રન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ
રાજય સરકાર દ્વારા દર વર્ષે વાયબ્રન્ટ સમિટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને અબજો રૂપિયાના એમ.ઓ.યુ.કરવામા આવે છે પરંતુ મધ્ય અને ગરીબ વર્ગના લોકોને સમયસર અનાજનો જથ્થો આપવામાં આવે છે કે નહીં તે બાબતે રાજયના મુખ્યમંત્રી અને અધિકારીઓ દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.
અધિકારીઓ રાશન આપવાને બદલે ડિજીટલ જ્ઞાન આપે છે!
રાજકોટ શહેરમાં ૪૨ હજાર જેટલા રેશનકાર્ડ ધારકોને છેલ્લા એક માસથી અનાજ મળતુ નથી. તે બાબતે રાશનકાર્ડ ધારકો જયારે કચેરીએ કેવાયસી કરાવવા માટે રૂબરૂ ધક્કા ખાઇ રહ્યા છે ત્યારે ત્યાં હાજર રહેલા અધિકારીઓ રાશનકાર્ડ ધારકોને કેવાયસીમાં મદદ કરવાના બદલે દિવાલ પર ચીપકાવેલા પોસ્ટરનો ફોટો પાડી ઓનલાઇન કેવાયસી કરાવાનો આગ્રહ રાખે છે. જો કે પ્રયત્ન કરનારને એપ્લીકેશન ચાલતી ન હોવાના પણ કડવા અનુભવો થતા રહે છે. તંત્ર આ બાબતે સુધારો કરવાના મૂડમાં નથી. માત્ર સલાહ આપે છે.