- ધોરાજી ઉપલેટા વિસ્તારના પાટીદારો જોડાયા
- તમામ અગ્રણીઓ એકસાથે એક જ મંચ પર આવ્યા
- નવા વર્ષના પ્રારંભને લઈને યોજાયું સ્નેહ મિલન
રાજકોટ જિલ્લાના ધોરાજી તેમજ ઉપલેટા વિસ્તારના સમસ્ત કડવા પટેલ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ મોટી મારડ ગામે યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમની અંદર તમામ રાજકીય પાર્ટીઓના પદાધિકારીઓ, નેતાઓ, સમાજના આગેવાનો, અગ્રણીઓ, ઉમિયા મંદિરના આગેવાનો સહિતના સૌ કોઈ એક જ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વનું છે કે હાલ દિવાળી પર્વની ઉજવણી બાદ સંવત 2080ના નૂતન વર્ષની શરૂઆત થઈ છે, ત્યારે બેસતા વર્ષના ભાગ રૂપે આ કડવા પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલન સમારોહમાં કડવા પાટીદાર સમાજના મોભી કહી શકાય તેવા સામાજિક અને રાજકીય આગેવાનો, વડીલો, અગ્રગણ્ય વડીલો અને નાના-મોટા સૌ કોઈએ આનંદપૂર્વક હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે સમાજ અને રાષ્ટ્રના હિતમાં એક મહત્વના શપથ લીધા હતા.
આ કાર્યક્રમમાં સામેલ સૌ પાટીદાર ભાઈઓ-બહેનોએ દીકરી ભ્રૂણ હત્યા અટકાવવાના શપથ લીધા હતા, આ ઉપરાંત વ્યસન મુક્તિ અને સમાજમાં રહેલા દરેક કુરિવાજોને દૂર કરવા માટે તમામ પાટીદાર ભાઈ બહેનોએ શપથ લીધા હતા. મહત્વનું છે કે આ પ્રસંગે પાટીદાર સમાજના તમામ મુખ્ય આગેવાનો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમાજના તમામ લોકોને ઉપસ્થિત આગેવાનો દ્વારા જ્ઞાતિજનોને એક થવા અને રાજકીય અને સામાજિક ક્ષેત્રે ઉજળી કારકિર્દી બનાવવા હાકલ કરવામાં આવી હતી.
ધોરાજી ઉપલેટા તાલુકાના 40 જેટલા ગામના પાટીદાર સમાજના લોકો આ કાર્યક્રમનો ભાગ બન્યા હતા. આ સ્નેહમિલનમાં સમાજની અંદર થતી ગતિવિધિઓ અંગેની ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શિક્ષણ તેમજ સમાજના યુવાનો અને યુવતીઓ માટે ભવિષ્યમાં સારામાં સારા કાર્યો કરવા અને આગળ વધારવા માટેની ચર્ચા કરાઈ હતી. તેમજ રાજકીય ક્ષેત્રોમાં પણ સમાજના લોકોએ આગળ વધી એના સમાજ માટે કર્યો કરવા જોઈએ તેવી ચર્ચા થઈ હતી. આ ઉપરાંત સમાજની અંદર વ્યાપ્ત કુરિવાજોને દૂર કરવા તેમજ દીકરી ભ્રૂણ હત્યા અટકાવવા અને વ્યસન મુક્તિ જેવા પગલાઓ ભરવા અંગેની શપથ પણ લેવડાવવામાં આવી હતી.


