૧૦ ટકા મહિલાઓનું ઓછુ મતદાન : ૨૧.૧૨ લાખ મતદારોમાંથી માત્ર ૧૨.૬૭ લાખ મતદારોએ ફરજ નીભાવી
તંત્રની દોડધામ બાદ પણ માત્ર ૫૯.૬૦ ટકા જ મતદાન
રાજકોટ લોકસભા બેઠક પર સવારે મતદારોની લાંબી કતારો લાગી હતી. આ દ્રશ્ય જોતાં રાજકોટ બેઠક પર ૬૫ થી ૭૦ ટકા જેટલું જ મતદાન થશે તેવો અંદાજો તંત્ર અને રાજકીય પક્ષો દ્વારા લગાવવામાં આવ્યો હતો. પરંતુ તેનું ઉલ્ટુ ચિત્ર સામે આવ્યું છે. રાજકોટ લોકસભા બેઠક પર ૨૧.૧૨ લાખ મતદારોમાંથી માત્ર ૧૨.૬૭ લાખ મતદારોએ જ પોતાની ફરજ અદા કરી હતી. જયારે ૮ લાખથી વધુ મતદારો બુથ પર ડોકાયા જ ન હતાં. તંત્ર દ્વારા ભારે દોડધામ કરવા છતાં પણ ટાર્ગેટ મુજબ મતદાન કરાવી શકયા નહી હોવાથી તમામ મહેનત તાપમાં ઓગળી ગઇ હોવાનો ઘાટ સર્જાયો હતો. રાજકોટ બેઠક પર સૌથી ઓછુ મતદાન મહિલાઓનું જોવા મળ્યું છે. જેમાં ૧૦ ટકા જેટલી મહિલાઓ મતદાન કરવાથી દૂર રહી હતી. રાજકોટ બેઠક પર માત્ર ૫૯.૬૦ ટકા જ મતદાન થયું હતું. જે ગત વર્ષ કરતા ત્રણ ટકા જેટલું ઓછુ મતદાન નોંધાયુ છે.
ક્ષત્રિય આંદોલન જ્યાંથી શરુ થયું તે રાજકોટમાં ભાજપના પરસોતમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી મુખ્ય પ્રતિસ્પર્ધી હતા. સાત ધારાસભા મતવિસ્તાર ધરાવતા આ સંસદીય ક્ષેત્રમાં કૂલ ૨૧.૧૨ લાખ મતદારો નોંધાયેલા હતા જેમાં ૧૨.૬૭ લાખે મત આપ્યા છે અને ૮.૪૫ લાખ જેટલા મતદારોએ મત નહીં આપીને એક મુક મંતવ્ય આપી દીધું છે.
વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને પડતા મુકાયા છે ત્યારે તેમના જુના મતવિસ્તાર ટંકારા-પડધરી ધારાસભા ક્ષેત્રમાં ૬૪.૬૭ ટકા અને મુખ્યત્વે કોળી અને મુસ્લિમોની વસ્તી ધરાવતા અને ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ્યાં કસોકસ રહે છે તે વાંકાનેર બેઠક પર સૌથી વધારે ૬૫.૮૮ ટકા મતદાન થયું છે.
આશ્ચર્યજનક રીતે રાજકોટ મહાનગરની ચાર બેઠકો પર ઓછુ નિરસ મતદાન થયું છે. ધારાસભા વાઈઝ ભાજપનો વર્ષોથી ગઢ રહેલા રાજકોટ-પશ્ચિમ બેઠક પર માત્ર ૫૭.૮૪ ટકા મતદાન થયું છે. ઉપરાંત પાટીદાર અને ઓ.બી.સી.મતો ધરાવતા રાજકોટ-દક્ષિણ ઉપર પણ ૫૭.૮૦ ટકા ટકા મતદાન જ થયું છે. જ્યારે ભાજપ-કોંગ્રેસ વચ્ચે કસોકસ રહે છે તેવી રાજકોટ-પૂર્વ બૂેઠક પર પણ લગભગ આટલું જ ૫૭.૮૮ ટકા મતદાન થયું છે. રાજકોટ ગ્રામ્ય બેઠક પર ૫૮.૫૮ ટકા સાથે મ્યુનિ.કોર્પો.વિસ્તારમાં મતદારો એકંદરે ટંકારા,વાંકાનેર કરતા નિરસ રહ્યા છે.
જ્યારે સૌથી ઓછું મતદાન ભાજપના કેબીનેટ મંત્રી જ્યાંથી ચૂંટાયા છે અને જ્યાં કોળી સમાજે ભાજપના નાણામંત્રી સામે આંદોલન કર્યું હતું તે જસદણ મતવિસ્તારમાં માત્ર ૫૫.૬૯ ટકા મતદાન થયું છે.
સવારે શહેરમાં મતદાન શરુ થયું ત્યારે તંત્રની પ્રક્રિયાના કારણે ધીમુ મતદાન થતા ભાજપના નેતાઓ અકળાયા હતા અને મતદાન મથકોએ ધસી જઈને કર્મચારીઓને ત્રીસ સેકન્ડમાં એક મત પડી જવો જોઈએ તેમ કહીને ઝડપ કરવા સૂચનાઓ આપી હતી.સવારે ૭થી બપોરે એક વાગ્યા સુધીના ૬ કલાકમાં માત્ર ૩૭ ટકા મતદાન થયા બાદ બપોરે ૧થી ૩ ધોમધખતા તાપમાં ૧૦ ટકા મતદાન વધીને ૪૭ ટકા અને ત્યારબાદ ત્રણ કલાકમાં આશરે ૧૨ ટકા મતદાન થયું હતું. એકંદરે સાંજે ૬ સુધીમાં મતદાનનો આંકડો પૂરો ૬૦ ટકાએ પણ પહોંચ્યો ન્હોતો.
મતદાનની પેટર્ન એવી રહી છે કે એક તરફ રેલનગર સહિત ક્ષત્રિય બહુમત વિસ્તારો, જંગલેશ્વર સહિત મુસ્લિમ બહુમત વિસ્તારોમાં સવારે લાઈનો હતી તો રાજકોટ પશ્ચિમ સહિત ભાજપના પરંપરાગત વિસ્તારોમાં પણ લાઈનો જોવા મળી હતી. પરંતુ, સવારની લાઈનો તડકો ચઢતા જ બપોરે ગાયબ થઈ ગઈ હતી. રાજકોટમાં આજે ૪૩ સે.તાપમાને ચૂંટણી ફરજ પર રહેલા આશરે ૧૩૦૦૦ કર્મચારીઓની પણ આકરી કસોટી કરી હતી. કૂલર ઘણા સ્થળે દેખાયા નહીં, તો ક્યાંક મંડપનો પણ અભાવ હતો.
રાજકોટ લોકસભા બેઠક પર ૫૯.૬૦ ટકા મતદાન
બેઠકો ૭ થી ૯ ૭ થી૧૧ ૭ થી૧ ૭થી 3 ૭થીપ ૭થી૬
ટંકારા ૧૧.૬૫ ૨૯.૪3 ૪3.3૬ ૫૧. 3૯ ૫૯.૨૧ ૬૫.૮૮
વાંકાનેર ૧૧.૭૮ ૨૮.૧૬ ૪૦.3૪ ૪૮.૬૨ ૫૭.૪૭ ૬૪.૬૭
રાજકોટપૂર્વ ૮. 3૬ ૨૨.૫૧ 3પ. 3૧ ૪૫.૬3 ૫૨.૮૨ ૫૭.૮૮
રાજકોટ પશ્ચિમ ૮.૮૭ ૨૨.૪૮ 3૬.૪૮ ૪૬.૭૪ ૫3.૯૨ ૫૭.૮૪
રાજકોટ દક્ષિણ ૯.૨ ૨૨.3૪ 3પ.૮૧ ૪૬. 3૮ પ3.૫૬ ૫૭.૮૦
રાજકોટ ગ્રામ્ય ૯.૫૧ ૨૪.૮૭ 3૭.૮૫ ૪૬.૯૪ પ3.૭૧ ૫૮.૫૮
જસદણ ૯.૫૮ ૨૨.૭૪ 3૨.૨૨ 3૯.3૬ ૪૯.૮૯ ૫૫.૬૯
કુલ ૯.૭૭ ૨૪.૫૪ 3૭.૪૨ ૪૬.૪૭ ૫૪.૨૯ ૫૯.૬૦


