રેલનગર, શેઠનગર, ઘંટેશ્વર, ઇશ્વરિયા, માધાપર, વિષ્ણુવિહાર, રૂડાનગર, રાણીટાવર પાછળ, સદગુરુ સહિતના વિસ્તારોમાં બપોરે ૧૧ વાગ્યા સુધીમાં જ સૌથી વધુ ૨૪ ટકાથી વધુ મતદાન થઇ ગયુ હતુ
રાજકોટમાં જ્યા ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા વધુ છે તેવા રેલનગર, શેઠનગર, માધાપર, ઘંટેશ્વર, ઇશ્વરિયા ઉપરાંત વિષ્ણુવિહાર, રૂડા, સદગુરુ સહિતના સ્થળે સવારે ક્ષત્રિય પુરુષો મતદારોની લાઇનમાં સૌથી વધુ દેખાયા હતા. અમુક વિસ્તારોમાં પરંપરાગત પહેરવેશ પાઘડી પહેરીને મતદાન કરવા આવ્યા હતા. જ્યારે બપોર પછી મહિલાઓ મતદાન કરવા નીકળી પડ્યા હતા. સમગ્ર શહેરની સરખામણીએ ઉક્ત વિસ્તારના બૂથમાં બપોરે ૧૧ વાગ્યા સુધીમાં ૨૪ ટકાથી વધુ મતદાન થયુ હતુ.
ક્ષત્રિય આંદોલનનું એપી સેન્ટર રાજકોટના મતદાન ઉપર સમગ્ર ગુજરાતની નજર છે. ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ વધુ હોય તેવા વિસ્તારની વાત કરીએ તો સવારે ૭ વાગ્યે મતદારોનો પ્રવાહ શરૂ થઇ ગયો હતો. ખાસ કરીને પશ્ચિમ રાજકોટમાં આવેલા વિષ્ણુવિહાર, રૂડા, સદગુરુ, રાણીટાવર પાછળ ઉપરાંત રેલનગર, શેઠનગર, માધાપર, ઘંટેશ્વર, ઇશ્વરિયામાં સવારે ૮ વાગ્યાથી બપોરે ૧૧ વાગ્યા સુધીમાં થયેલા વોટિંગમાં મતદાન મથકો પર જે લાઇન હતી તેમા સૌથી વધુ ક્ષત્રિય પુરુષો હતા.
ક્ષત્રિય મહિલાઓનું મતદાન બપોર પછી થયુ હતુ. વિસ્તારના ક્ષત્રિય આગેવાનો સાથે ‘અગ્ર ગુજરાત’ની ટીમે કરેલી મુલાકાત દરમિયાન એવુ જાણવા મળ્યુ હતુ કે, ઘરકામના કારણે ઘરની મહિલાઓ બપોર પછી મતદાન કરવાનું નક્કી કર્યુ છે. બપોરે ૧૨ વાગ્યા પછી ક્ષત્રિય મહિલાઓનો પ્રવાહ મતદાન મથક ભણી દેખાવા લાગ્યો હતો.
સદગુરુ સહિતના વિસ્તારોમાં ક્ષત્રિયો પરંપરાગત પોશાક પહેરીને નીકળ્યાં
ક્ષત્રિય સમાજ સંકલન સમિતિએ અગાઉથી નક્કી કર્યા મુજબ પરંપરાગત પોશાક પહેરીને મતદાન કરવા નીકળ્યા હતા. પુરુષ મતદારો પાઘડી(સાફો) પહેરીને જ્યારે મહિલાઓ કેસરી કલરની સાડી પહેરીને મતદાન મથક ગયા હતા. ક્ષત્રિય મતદારોએ વોટિંગ કર્યુ હોવાના ફોટા પણ સોશિયલ વાયરલ કર્યા હતા.


