- લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની ત્રણ તબક્કામાં આપેલ મુદત પૂર્ણ
- ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ શાળાના આચાર્યએ એપ્રૂવલ આપવાની હોય છે
- ધોરણ.10ની પરીક્ષાના લેઈટ ફી સાથે પણ ફોર્મ ભરવાની મુદત આજે 2 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ હતી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ.10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવામાં પ્રિન્સિપાલ એપ્રૂવલ માટે 5 જાન્યુઆરી સુધી મુદત આપવામાં આવી છે. ધોરણ.10ની પરીક્ષાના લેઈટ ફી સાથે પણ ફોર્મ ભરવાની મુદત આજે 2 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ હતી. ફોર્મ ભરાયા બાદ પણ હજુ 6 હજાર જેટલા ફોર્મમાં પ્રિન્સિપાલ એપ્રૂવલ આવી ન હોવાનું જાણવા મળ્યું હતુ.
બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી ઓનલાઈલ ચાલે છે. ઓનલાઈન ફોર્મ ભરાયા બાદ તેમાં પ્રિન્સિપાલ એપ્રૂવલ આપવાની હોય છે. ફોર્મ ભરવાની મુદત આજે પૂર્ણ થઈ હતી પરંતુ આ દરમિયાન ફોર્મ ભરાઈ ગયા બાદ અંદાજે 15 હજાર જેટલા ફોર્મમાં પ્રિન્સિપાલ એપ્રૂવલ જ આવી ન હોવાછી બોર્ડ કચેરી દ્વારા આવી શાળાઓનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. દરમિયાન છેલ્લા મંગળવાર સાંજના 6 વાગ્યાની સ્થિતિએ હજુ 6 હજાર જેટલા ફોર્મમાં એપ્રૂવલ આવી ન હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું હતુ.
ઉલ્લેખનીય છે કે, ધોરણ.10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી ગત તા.2 નવેમ્બર-2023થી શરૂ કરવામાં આવી હતી, જેની મૂદત 11 ડિસેમ્બર-2023ના રોજ પૂર્ણ થઈ હતી. રેગ્યુલર ફી સાથે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ 12 ડિસેમ્બરથી કુલ ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે 2 જાન્યુઆરી-2024 સુધી મૂદત આપવામાં આવી હતી, જે આજે પૂર્ણ થઈ છે.


