- આસિ. સેનેટરી ઇન્સ્પેક્ટરે પિત્ઝા-બર્ગરના રૂપિયા ન ચૂકવ્યા
- આ માટે આસિ. સેનેટરી ઇન્સ્પેક્ટરને શો કોઝ નોટિસ પાઠવી
- સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
સુરત મનપાના આરોગ્ય વિભાગના આસિ.સેનેટરી ઇન્સ્પેકટરે પિત્ઝા-બર્ગરના રૂપિયા ન ચૂકવ્યાનો આરોપ લાગી રહ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આસિ. સેનેટરી ઇન્સ્પેક્ટરે પિત્ઝા-બર્ગરના રૂપિયા ન ચૂકવ્યા હોવાની માહિતી સામે આવી છે.
આ અંગેની વિગત અનુસાર, સુરતના નાણાવટમાં આવેલી પિત્ઝા શોપ માંથી પર્સેલ લઇ રૂપિયા ન ચૂકવ્યાનો આરોપ SMC ના અધિકારી પર લાગી રહ્યો છે. ફરી એક વખત સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટરે પિત્ઝા અને બર્ગરનો ઓર્ડર આપ્યા બાદ રૂપિયા ચૂકવવામાં આનાકાની કરી હોવાની વાત સામે આવી છે.
આ સમગ્ર ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે અંગે તપાસ હાથ ધરવામાં આવતાં સેન્ટ્રલ ઝોનમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતો રાજેશ નામક એ.એસ.આઈ. હોવાનું જાણવા મળ્યું હતું. મનપાના આરોગ્ય વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવતાં વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું.
સમગ્ર ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા મફતમાં પિત્ઝા અને બર્ગરનો સ્વાદ લેનારા એએસઆઈ રાજેશને નોટિસ પાઠવીને ખુલાસો માંગવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલા કૃત્યથી આરોગ્ય વિભાગમાં ભારે ચર્ચાએ જોર પકડ્યો છે. આ પ્રકારે ઘણા અધિકારીઓ પોતાના વિસ્તારમાં ખાણીપીણીની લારી ચલાવતા વેપારીઓને પરેશાન કરતા હોવાની પણ વાત ચર્ચા પણ સામે આવી છે.


