- સુરેન્દ્રનગરમાં ચિંતાજનક બન્યો હાર્ટએટેક
- એક જ દિવસમાં 3 લોકોના મોતથી ચકચાર
- એક જ મહિનામાં 20થી વધુના હાર્ટએટેકથી મોત
ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો હવે ઝડપથી વધી રહ્યા છે. હાર્ટએટેક એ જાણે કોઈ રોગચાળો હોય તેમ ટપોટપ અને ચૂપચાપ લોકોના ભોગ લઈ રહ્યો છે. આજે આવી જ એક ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક જ દિવસમાં કુલ 3 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
હાલના દિવસોમાં રાજ્યમાં હાર્ટએટેકથી થતા મોતની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો નોંધાયો છે. એક જ દિવસમાં ઘણાં લોકો રાજ્યના વિવિધ ભાગોમાં જીવ ગુમાવી રહ્યા છે. આવી જ રીતે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કુલ 3 લોકોએ આજે જીવ ગુમાવ્યા છે. જેમાં 56 વર્ષીય બહાદુર સિંહ નામના આધેડની તબિયત લથડયા બાદ બેહોશ થયા હોસ્પિટલમાં હાજર ડોક્ટરે હાર્ટએટેક આવ્યો હોય અને મોત નિપજ્યા હોવાનું જાહેર કર્યું હતું.
આ સિવાય સ્વામીનારાયણ મંદિરના સ્વામીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ઘટના પણ સામે આવી હતી. જેમાં માહિતી પ્રમાણે પરમપ્રકાશ સ્વામીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનુ જાહેર થયું હતું. આ સિવાય ડેરવાળા ગામમાં પણ એક અન્ય વૃદ્ધનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું. અહીં 65 વર્ષીય વૃદ્ધ ધીરજ ભાઈને પણ હાર્ટએટેક બાદ હોસ્પિટલમાં લઈ જવાયાં પણ ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા.
આમ તહેવારના દિવસોમાં એક જ દિવસમાં 3 લોકોના મોત થતાં આનંદનો માહોલ શોકમાં ફેરવાયો હતો. લોકોમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ હતી. જો કે આ બધાની વચ્ચે એક વાત એ પણ નોંધવી ઘટે કે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ મહિનામાં હાર્ટ એટેક થી 20 થી વધુ લોકો મોતને ભેટ્યા છે. આમ સુરેન્દ્રનગર પંથકમાં હાર્ટએટેકનો ભય વધ્યો છે.


