- જિલ્લા મથકે શૈક્ષણિક સુવિધામાં વધારો
- તાજેતરમાં રાજ્ય સરકારના બજેટમાં જાહેરાત કરાઈ
- કોલેજના કેમ્પસમાં જ અલગથી આર્ટસ કોલેજ માટે ઈમારત બનશે : પ્રિન્સિપાલ
સુરેન્દ્રનગરની સરકારી એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજની સ્થાપના વર્ષ 1956માં થઈ હતી. આ કોલેજમાં વિજ્ઞાન અને વિનયન કોલેજના ર વિદ્યાર્થીઓ એક જ ઈમારતમાં બેસે છે. ત્યારે રાજય સરકારે તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં આ કેમ્પસમાં જ અલગથી આર્ટસ કોલેજ બનાવવાનું આયોજન કર્યુ છે. જેના માટે રૂ. 4.55 કરોડની બજેટમાં ફાળવણી કરાઈ છે.
સુરેન્દ્રનગરના બસ સ્ટેશન રોડ પર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન સરકારી એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ આવેલી છે. 68 વર્ષ પહેલા વર્ષ 1956માં આ કોલેજની સ્થાપના કરાઈ હતી. સરકારી કોલેજ હોવાથી આ કોલેજમાં બન્ને સ્ટ્રીમમાં વિદ્યાર્થીઓની સંખ્યા સવિશેષ રહે છે. જેના લીધે સવારે આર્ટસ કોલેજ, બપોરે સાયન્સ કોલેજ ચલાવવામાં આવે છે. વર્ષો જુની આ ઈમારત હાલ ઠેરઠેર જર્જરિત પણ બની છે. ત્યારે આ કોલેજમાં એક નવી કોલેજ બને તે માટે સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા છેલ્લા એક વર્ષથી રાજય સરકારમાં પ્રયાસ કરી રહ્યા છે. જેને સફળતા મળી છે. અને તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં રાજય સરકારે રૂ. 4.55 કરોડના ખર્ચે કેમ્પસમાં જ નવી આર્ટસ કોલેજ બનાવવાની જાહેરાત કરી છે. હાલ જે કોલેજ કાર્યરત છે. તેમાં પછી માત્ર સાયન્સ વિભાગ જ રહેશે. આ અંગે કોલેજના પ્રીન્સીપાલ ડો. અમીત મીશ્રાએ જણાવ્યુ કે, કોલેજની નવી ઈમારત બનવાની મંજૂરી મળતા કોલેજ પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ છે. નવી કોલેજ અંદાજે 2500 છાત્રો બેસી શકે તેવી ક્ષમતા ધરાવતી હશે. બન્ને કોલેજ અલગ-અલગ ઈમારતોમાં થતા બન્ને સ્ટ્રીમમાં નવા કોર્ષ પણ ચાલુ કરી શકાશે. કોલેજ બનાવવા માટે સ્થળ પસંદગી સહિતની કાર્યવાહી હવે થશે. પરંતુ નવી કોલેજની ઈમારત બનવાથી રમતગમતના મેદાનમાં કોઈ કાપ મુકવામાં આવશે નહી.
ચૂંટણી સમયે કોલેજમાં સ્ટ્રોંગરૂમ અને મતગણતરી થાય છે
સુરેન્દ્રનગરની એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ લોકસભા અને વિધાનસભા ચૂંટણી સમયે અગત્યની ઈમારત છે. આ સ્થળે મતદાન મથકોએથી લાવેલા ઈવીએમઅને વીવીપીએટ મતગણતરી સુધી સ્ટ્રોંગરૂમ બનાવી રાખવામાં આવે છે. જયારે મત ગણતરી પણ આ જ સ્થળે રાખવામાં આવે છે. ત્યારે નવી ઈમારત બનતા ચૂંટણી સમયે પણ તે જિલ્લા ચૂંટણી વિભાગને ઉપયોગી નીવડશે.


