- ભાજપ કલ્યાણકારી યોજના આપે છે, તો ઇન્ડી ગઠબંધનના કરોડોનાં કૌભાંડ હોય છે
- લોકસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં પ્રચાર માટે પહોંચ્યા હતા
- વડાપ્રધાન વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધ્યું
લોકસભા ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યાકુમારીમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. અહીં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન વિપક્ષના ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધ્યું હતું. તેમણે વિપક્ષી ગઠબંધનના કૌભાંડ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ કૌભાંડોની યાદી બહુ લાંબી છે. વડાપ્રધાને કહ્યું હતું કે હું તામિલનાડુની ધરતી પર મોટા પરિવર્તનના અણસાર જોઇ રહ્યો છું. તામિલનાડુમાં ભાજપનું પ્રદર્શન આ વખતે ડીએમકે અને કોંગ્રેસના ઇન્ડી ગઠબંધનનો ઘમંડ તોડી નાખશે. વડાપ્રધાને કહ્યું હતું કે, અમે દેશને ઓપ્ટિકલ ફાઇબર અને ફાઇવજી આપ્યું. અમારા નામે ડિજિટલ ઇન્ડિયા સ્કીમ છે. ઇન્ડી ગઠબંધનના નામે લાખો કરોડનું ટુજી સ્કેમ છે અને ડીએમકે તે લૂંટની મોટી ભાગીદાર હતી. અમારા નામે ઉડાન સ્કીમ છે, ઇન્ડી ગઠબંધનના નામે હેલિકોપ્ટર સ્કેમ છે. ઇન્ડી ગઠબંધન ક્યારેય તામિલનાડુને વિકસિત નહીં બનાવી શકે.
DMK તામિલનાડુનો સૌથી મોટો શત્રુ
વડાપ્રધાને ડીએમકે પર નિશાન સાધતા કહ્યું હતું કે તે તામિલનાડુનો સૌથી મોટો દુશ્મન છે. ડીએમકે તામિલનાડુના ભવિષ્યની જ દુશ્મન નથી બલકે ડીએમકે તામિલનાડુના ભૂતકાળની, તેના વારસાની પણ શત્રુ છે. ડીએમકે અન કોંગ્રેસ ત્યારે પણ ચૂપ રહ્યા હતા જ્યારે જલ્લીકટ્ટૂ પર પ્રતિબંધ લગાવાયો હતો. આ લોકો તામિલ સંસ્કૃતિનો નાશ કરવા માગે છે. એ અમારી સરકાર હતી જેણે જલ્લીકટ્ટૂને પૂરા ઉત્સાહ સાથે ઊજવવાનો રસ્તો સાફ કર્યો હતો. નવી સંસદમાં તામિલ સંસ્કૃતિના પ્રતીક પવિત્ર સેંગોલને નવી સંસદમાં સ્થાપિત કર્યુ ત્યારે આ લોકોએ તેનો પણ બહિષ્કાર કર્યો હતો. તેમને સેંગોલની સ્થાપના પસંદ નહોતી આવી.


