વધુ એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે, ક્ષમતા હશે ૭૫ એમ.એલ.ડી.ની, રૂ.૬૦.૪૮ કરોડના ખર્ચને સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે આપી લીલીઝંડી
રાંદરડા-લાલપરી અમદાવાદના કાંકરિયા લેક જેવુ બનાવવા પ્રારંભિક ૧૮ કરોડનો ખર્ચ મંજૂર
જામનગર રોડ-રિંગરોડ ૨ના ઘંટેશ્વર પાસે 3.૭૧ કકરોડના ખર્ચે બનશે અદભૂત, નયનરમ્ય એન્ટ્રી ગેટ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જૂના વિસ્તારમાં પુરતા ફોર્સથી પાણી મળી રહે એ માટે આજી ડેમ આધારિત વધુ એક વોટર ટ્રીટમેન્ટ પ્લાન બનાવવા આજની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ઠરાવ કરવામા આવ્યો છે. ૭૫ એમ.એલ.ડી. ક્ષમતાનો આ નવો પ્લાન્ટ બનશે. તેના માટે રૂ.૬૦ કરોડ ૪૮ લાખથી વધુના ખર્ચને સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે લીલીઝંડી આપી હતી. અન્ય દરખાસ્તમાં શહેરની ભાગોળે આવેલુ લાલપરી તળાવ શહેરની શાન છે, રાજાશાહી વખતની યાદી છે. કુદરતની સોળે કળાએ ખીલતો આ વિસ્તાર છે. શિયાળામાં લાલપરી-રાંદરડામાં વિદેશી પક્ષીઓ અચુક પણે અહીં મહેમાન બને છે. આવા રમણિય વિસ્તારને એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે છેલ્લા એક દસકાથી પણ વધુ સમયથી માત્ર કાગળ પર જ ચાલી આવતી આ મહત્વકાંક્ષી યોજના હવે સાકાર થવા તરફ આગળ વધી છે. અમદાવાદના કાંકરિયા લેકની જેમ લાલપરી-રાંદરડાને ડેવલપ કરવા માટે રૂ.૧૮ કરોડના ખર્ચનો અંદાજ રાખી આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ દરખાસ્તને લીલીઝંડી આપવામા આવી હતી. આ ઉપરાંત રાજકોટમાં પ્રવેશતાની સાથે જ મેટ્રો સિટી જેવો નજારો જોવા મળે તેવા રિંગરોડ-૨થી જામનગર રોડ પર ભવ્યાતિભવ્ય એન્ટ્રી ગેટ બને તે માટે રૂ.3.૭૧ કરોડનો ખર્ચ મંજૂર કરવામા આવ્યો હતો. આજની સ્ટેન્ડીંગ કમિટીમાં કુલ ૨ અબજ ૧૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામને સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે લીલીઝંડી આપી હતી.
રાજકોટ મહાપાલિકાની સ્ટે.કમીટીની આજે મળેલી મીટીંગમાં 66 દરખાસ્તોનો જમ્બો એજન્ડા રજૂ કરવામા આવ્યો હતો. ગત વખતની પેન્ડીંગ પાંચેક દરખાસ્તો પણ રિપિટ કરવામા આવી હતી. મહત્વની દરખાસ્તોમાં લાલપરી તળાવના ડેવલપમેન્ટ અને બ્યુટીફીકેશન માટે 18.11 કરોડના ખર્ચ મંજૂર કરવામા આવ્યો છે. જે તે સમયે લાલપરી તળાવના ડેવલપમેન્ટ માટે 20 કરોડનું એસ્ટીમેન્ટ મંજૂર કરાયું હતું. 18265 ચો.મી. વિસ્તારમાં લેક ફ્રન્ટની બાજુમાં એક કિ.મી. લંબાઇના રોડ પર 860 રનીંગ મીટર, 10950 ચો.મી.માં ગાર્ડન, એક કિ.મી.ની ગેબિયન વોલ, 850 રનીંગ મીટરની ફુટપાથ, 1650 રનીંગ મીટરનો હોકિંગ ટ્રેક અને ગઝેબોના કામ માટે 16.94 કરોડના ટેન્ડર પ્રસિધ્ધ કરાયા હતા. જેમાં પાંચ એજન્સીએ ભાવ આપતા સૌથી ઓછા ભાવ બી.બી.પટેલ કન્સ. કંપનીએ 9.40 ટકા ઓછા આપ્યા છે. ટેન્ડર મુલ્યાંકન કમીટીના અભિપ્રાય પરથી આ ભાવ મંજૂર કરવા અને 18.11 કરોડનું ખર્ચ જીએસટી સહિત માન્ય કરવા સ્ટે.કમીટીમાં દરખાસ્ત આવી હતી.
જ્યારે રાજકોટના જુદા જુદા વિસ્તારોમાંથી પ્રવેશ કરતા શહેરના અને બહારગામના લોકો માટે આકર્ષક અને ભવ્ય એન્ટ્રી ગેટ બનાવવાની યોજના સાકાર થવા જઇ રહી છે. વેસ્ટ ઝોનમાં બીજા 1પ0 ફુટ રીંગ રોડ અને જામનગર રોડ જંકશન પાસે 3.71 કરોડના ખર્ચે એન્ટ્રી ગેટ બનાવવા નિર્ણય લેવાયો છે. નવા રીંગ રોડ અને જામનગર રોડ જંકશન પાસે એન્ટ્રી ગેટ બનાવવા જગ્યા ફાઇનલ કરાઇ છે. 113 રનીંગ મીટરમાં આરસીસીનો આ ગેટ બનાવવામાં આવશે. આકર્ષક ડિઝાઇન સાથે પ્રતિક પણ મુકવામાં આવશે. જીએસટી સહિત 3.71 કરોડના ખર્ચે એન્ટ્રી ગેટ સાકાર થશે.
માધાપરમાં ડોગ ફ્રેન્ડલી સેન્ટરની સાથે સ્ટાફ ક્વાર્ટર પણ બનશે
વોર્ડ નં.3ના માધાપરમાં આવેલા હયાત ડોગ ફ્રેન્ડલી સેન્ટર અને સ્ટાફ કવાર્ટર બનાવવા ટેન્ડર બહાર પાડવામાં આવતા 1.88 કરોડના ભાવે આ કામ આપવા નિર્ણય લેવાયો છે. તો શહેરમાં રખડતા શ્વાનના ત્રાસને નિયંત્રણમાં લેવા શ્વાન વ્યંધીકરણ, હડકવા વિરોધી રસીકરણ, ડોગ ફ્રેન્ડલી કામગીરીનો કોન્ટ્રાકટ આપવા દરખાસ્ત આવી હતી. અમદાવાદની ગોલ ફાઉન્ડેશન આ કામ કરે છે. આ કામગીરી માટે 39 ટકા વધુ ભાવ માંગવામાં આવ્યા છે. જેમાં 34 ટકા વધુ ભાવે હવે કામ કરાશે. પ્રતિ શ્વાન રૂા. 4160 વ્યંધીકરણ, હડકવા વિરોધી રસીકરણના 415, પોસ્ટ ઓપરેટીવ 13 રૂા. 167 અને ડોગ ફ્રેન્ડલી વર્ક પ્રતિ શ્વાન દૈનિક રૂા. 221ના ભાવ અપાયા છે. બીજા વર્ષે ભાવ વધારાની શરત આ કોન્ટ્રાકટમાં હોય છે તે ઉલ્લેખનીય છે. ઓડિટ શાખામાં સબઓડિટરની બઢતી માટે ગત મીટીંગમાં દરખાસ્ત પેન્ડીંગ રહ્યા બાદ નવા નામો સાથેની દરખાસ્ત આવી છે. વરસાદી પાણીની પાઇપલાઇન, પેવિંગ બ્લોક, ડીઆઇ પાઇપલાઇન, સફાઇ કામદારોની નિમણુંક સહિતની દરખાસ્તો એજન્ડામાં છે.
‘હર ઘર નળ’નું ફારસ! ટેન્કરના ફેરા ઘટવાને બદલે વધી ગયા!
પેટા…
વધુ 1.32 કરોડ સહિત ખર્ચ 13.66 કરોડે પહોંચ્યો
સ્માર્ટ સીટીના અનેક વિસ્તારોમાં હજુ પાણીની લાઇન નથી અને ડીઆઇ લાઇનનું નેટવર્ક પહોંચ્યુ નથી. આ સંજોગોમાં ત્રણેય ઝોનના અલગ અલગ વિસ્તારોમાં ટેન્કર કે ટ્રેકટરથી નવા ટેન્ડર ન થાય ત્યાં સુધી પાણી વિતરણનો મોંઘો કોન્ટ્રાકટ ચાલુ રાખવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી હતી. 2023થી 2025ના બે વર્ષ માટે કોન્ટ્રાકટરોને તમામ 18 વોર્ડના પાઇપલાઇન વિહોણા વિસ્તારોમાં પાણી પહોંચાડવા ટેન્કરના ફેરાના કોન્ટ્રાકટ આપવામાં આવ્યા હતા. હવે નવા વિસ્તારો પણ ભળ્યા છે. આથી નવી માંગણી આવતા ત્રણે ઝોનમાં મંજૂર થયેલ 11.64 કરોડ અને વધુ બે કરોડ મળી 13.65 કરોડના ખર્ચમાં વધારો થયો છે. આથી ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોય, હાલની એજન્સીને કામ ચાલુ રાખવા જણાવાયું છે. નવી એજન્સી ન આવે ત્યાં સુધી 1.32 કરોડના વધુ ખર્ચના અંદાજ સહિત 14.98 કરોડનો ખર્ચ થશે. તે ભાવ કમીટીએ માન્ય રાખ્યા છે. ડી.બી.વઢરકીયા અને શાંતિલાલ ગાંગજીભાઇ કંપનીના આ કામોને બહાલી અપાઇ છે. જોકે બીજી તરફ સ્માર્ટ સીટીમાં પાણીના ટેન્કરના ફેરા ઘટવાને બદલે વધી રહ્યા છે.
વારસદારોને નોકરી માટેના મેડીકલ સર્ટીફીકેટ માટે હવે મનપા આરોગ્ય અધિકારીઓની ટીમ રિપોર્ટ આપશે
મહાપાલિકામાં સફાઇ કામદારોના વારસદારોને રહેમરાહે નોકરી આપવા અંગેના નિયમોમાં સુધારાની દરખાસ્ત કાલની સ્ટે.કમીટીમાં આવી ગઇ છે. કામદાર નોકરી દરમ્યાન કોઇ રોગના ભોગ બને, અશકત જાહેર થાય કે અવસાન થાય, લાપતા હોય તેવા સંજોગોમાં કોઇ એક વારસદારને રહેમરાહે નોકરી આપવા ઠરાવ થયેલો છે. તબીબી ચકાસણીની કાર્યવાહીમાં ખુબ વિલંબ થતો હોવાની યુનિયનો રજુઆત કરે છે. આથી મનપાના આરોગ્ય શાખાના અધિકારીઓની ટીમ રીપોર્ટ કરી આપશે. કમીટીના અધ્યક્ષ મેડીકલ ઓફિસર અને બે સભ્યમાં ડે.મેડીકલ ઓફિસર રહેશે. તેમના રિપોર્ટ પરથી સોલીડ વેસ્ટ શાખામાં સ્વૈચ્છિક રાજીનામા અંગે અંતિમ નિર્ણય કરાશે.
બાલાજી હોલથી ૧૫ મીટરનો રોડ ૨.૮૫ કરોડના ખર્ચે સિમેન્ટથી મઢાશે
કણકોટ રોડથી ન્યારી ડેમને જોડતો રોડ ૨.૦૬ કરોડના ખર્ચે ડેવલપ થશે
મનપાની ચૂંટણી પૂર્વે રાજકોટ શહેરની અંદર અને શહેરની ભાગોળે આવેલા રસ્તા ટનાટન બનાવવા માટે યુધ્ધના ધોરણે ચાલતી કામગીરી દરમિયાન આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સિમેન્ટ રોડ સહિત વિવિધ વિસ્તારના રસ્તાઓ માટે કરોડો રૂપિયા સ્ટેન્ડીંગ ચેરમેન જયમીન ઠાકરે મંજૂર કર્યા હતા. જેમા વોર્ડ નં.૧૧માં નાના મવા(બાલાજી હોલથી ધોળકિયા સ્કુલ) સુધીના ૧૫ મીટરના રસ્તાને સિમેન્ટ રોડ બનાવવા માટે રૂ.૨ કરોડ ૮૫ લાખનો ખર્ચ મંજૂર કરવામા આવ્યો હતો. જ્યારે કણકોટ રોડથી ન્યારી ડેમને જોડતા ૨૪ મીટરના રસ્તાને ડેવલપ કરવા માટે રૂ.૨ કરોડ ૬ લાખ તેમજ વોર્ડ નં.3માં માધાપર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જુદી-જુદી શેરીઓમાં રૂ.૧ કરોડ ૭3 લાખના ખર્ચે રોડ મેટલીંગનું કામ કરવાનું મંજૂર થયુ છે.
ઘંટેશ્વરમાં બાકી રહી ગયેલા વિસ્તારમાં પાઇપલાઇન નાખવા ૫.૯૫ કરોડ ખર્ચાશે
વોર્ડ નં.૭,૧૪,૧૭માં પાણીનો પ્રશ્ન થશે કાયમી માટે હલ, ૪૪.૯૫ કરોડનો ખર્ચ મંજૂર
રૈયાધારના મારવાડીવાસથી ડ્રીમ સિટી રોડ સુધી ૭૫ લાખના ખર્ચે નખાશે પાઇપલાઇન
વોટર વકર્સના વિવિધ કામ અંગેની મહત્વની દરખાસ્તોમાં ગુરુકુળ હેડવકર્સ હેઠળ આવતા ઢેબર રોડ સાઇડના વોર્ડ નં.૭, ૧૪ અને ૧૭માં મેઇન ડીસ્ટ્રીબ્યુશન ડી.આઇ. પાઇપલાઇન નાખવા માટે રૂ.૪૪.૯૫ કરોડથી વધુનો ખર્ચ મંજૂર કરવામા આવ્યો છે. જ્યારે વોર્ડ નં.૧માં રૈયાધારના મારવાડીવાસ મેઇન રોડથી ડ્રીમ સિટી રોડ સુધી પાણીની મેઇન ડી.આઇ. ડીસ્ટ્રીબ્યુશન લાઇન નાખવા રૂ.૭૫ કરોડ 33 લાખ અને વોર્ડ નં.૧માં ભળેલા ઘંટેશ્વર વિસ્તારમાં બાકી રહી ગયેલી સોસાયટીઓમાં રૂ.૫.૯૫ કરોડના ખર્ચે પાણીની મેઇન ડીસ્ટ્રીબ્યુશન લાઇન નાખવામા આવશે.
અન્ય આટલા કામની દરખાસ્ત મંજૂર
- વોર્ડ નં.૧૧માં અંબિકા ટાઉનશીપ, સાનિધ્ય, સ્પીડવેલથી ઠાકર હોટલ વચ્ચે પેટા ઓફિસ બનાવવા રૂ.૧૮,૨૬,૫૭૨ મંજૂર.
- મોટા મવા અને વસંત વાટિકા રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે રૂ.૧.૫૧ કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર પાઇપલાઇન નખાશે.
- મવડીના સવન ચોકમાં ૧.૦૨ કરોડના ખર્ચે નવો બગીચો બનાવાશે.
- ફાયર બ્રિગેડ શાખામાં વધુ ૧૦ નવી બોટ અને ૯ મીની ફાયટર બનાવવા ૬.૪૮ કરોડ મંજૂર
- વોર્ડ નં.૧૪માં નટેશ્વર મંદિરથી લક્ષ્મીવાડી પુલ સુધી ૨ કરોડ ૯૪ લાખના ખર્ચે વોંકળા પર સી.સી. કરવામા આવશે.
- પોપટપરા મેઇન રોડ પર વિનુભાઇના દવાખાના પાસે વોંકળા પર બોક્સ ગટર બનાવવા રૂ.૧ કરોડ ૨૨ લાખ મંજૂર
- કટારિયા ચોકડી, તાલુકા પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં બનતા મનપાના પાર્ટી પ્લોટમાં ૨૦ લાખના ખર્ચે થશે ગાર્ડનીંગનું કામ.
- વોર્ડ નં.૯માં સંજય વાટિકા અને તેની આસપાસના વિસ્તારોમાં રોડની સાઇડમાં પેવીંગ બ્લોક નાખવા 33.૯૪ લાખ મંજૂર.
- વોર્ડ નં.૧૧માં અર્જુન પાર્ક, ગોવિંદ પાર્ક, સાગર ચોક અને સાનિધ્ય બંગ્લોઝ પાસે પેવીંગ બ્લોક નાખવા રૂ.૪ કરોડ ૧3 લાખ ખર્ચ કરવામા આવશે.
- વોર્ડ નં.૯માં સરકારી કર્મચારી સોસાયટી તથા જુદા-જુદા વિસ્તારમાં રૂ.3૧ લાખના ખર્ચે જનભાગીદારીથી પેવીંગ બ્લોક નખાશે.
- રેસકોર્સમાં ટેનિસ કોર્ટની બાજુમાં આવેલા ફૂટબોલ મેદાનને કોચિંગ માટે આપીને મનપાને થશે રૂ.૧૬.૬૧ લાખની આવક.
- રેલવે જંકશન સામે રસ્તા પૈકીની જમીન ખુલ્લી કરાવાયા બાદ દુકાન માલિકોને વૈકલ્પિક જગ્યા આપવાનો થયો ઠરાવ.


