- ડાકોર નગરપાલિકા તંત્ર નાગરિકોને પાયાની સુવિધા આપવામાં પણ નિષ્ફળ
- વોર્ડ નં.1 થી 7માં છેલ્લા 4 દિવસથી પાણી નિયમિત મળતું નથી, મહિલાઓનો પાણી માટે પોકાર
- યાત્રાધામ ડાકોરમાં ઉનાળાની પ્રારંભે જ સ્થાનિક રહિશોને ટેન્કરથી પાણી આપવું
ડાકોરમાં ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ છેલ્લા 4 દિવસ થી ત્રણ હજાર જેટલાં મકાનોમાં પીવાનું પાણી તેમજ ઘર વપરાશ માટે પાણી નહીં મળતાં મહિલાઓ પરેશાન બની છે. ડાકોર નગરપાલિકા તંત્ર નાગરિકોને પાયાની સુવિધા આપવામાં પણ નિષ્ફળ રહી છે. મહિલા પાણી માટે પોકાર કરી રહી છે. ટેન્કરથી પીવાનું પાણી મેળવવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ડાકોર વોર્ડ નં1થી7માં પીવાનું પાણી ન આવતા રહિશો પીવાના પાણીની ટેન્કર સામે ડોલ લઇને મહિલા,બાળકો અને વૃદ્ધોને લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી છે. રાજાધિરાજ રણછોડરાયના મંદિરે ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો યોજાશે, ગણતરીના દિવસો આડે યાત્રાધામ ડાકોરમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ, ભક્તો, વૈષણવો ઉમટી પડશે. જો સ્થાનિક નાગરિકો પાણી માટે વલખાં મારતા હોય તો દર્શનાર્થીઓની શું હાલત થશે? આ અંગે રીન્ધી પાર્થ જણાવે છે, ધો.10 અને 12 ના બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે વિદ્યાર્થીઓ રાત્રે વાચન કર્યા પછી સવારે નાહવા-ધોવા માટેનું પાણી નહિ મળતા મુશ્કેલી વેઠવી પડે છે. યાત્રાધામ ડાકોરમાં ઉનાળાની પ્રારંભે જ સ્થાનિક રહિશોને ટેન્કરથી પાણી આપવું પડતું હોય તો આગળ જતાં શું સ્થિતિ ઉભી થશે તે વિચારવા જેવું છે. ડાકોરમાં નગરપાલિકા તંત્ર સાવ ખાડે ગયું છે. નાગરિકોને રોડ-રસ્તા, ગટર, પાણી જેવી પાયાની સુવિધા આપવામાં પણ તંત્રના જવાબદાર અધિકારીઓ ઠાગાઠૈયા કરી રહ્યા છે.
વૈષ્ણવોના જણાવ્યા પ્રમાણે ડાકોરમાં એસટી ડેપોથી મંદિર સુધી પીવાની પાણીની એક પણ પરબ નથી. ડાકોરમાં પાણીની પારાયણથી સ્થાનિક મહિલાઓ ત્રાહીમામ પોકારી ઉઠી છે. ડાકોરના રહિશો વર્ષે દહાડે લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ભરવા છતાં તહેવારો ટાણે જ પાણીના પોકાર પડે છે. હોળીની પૂનમને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જિલ્લા કલેકટરના આદેશને પણ સ્થાનિક પાલિકા તંત્ર ઘોળીને પી ગયું છે.
આ બાબતે સ્થાનિક દિપકભાઈ શાહ જણાવે છે કે, ડાકોરના રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસર ગણાત્રાનો ટેલીફેનિક સંપર્ક સાધતા ફેન રિસીવ કરતા નથી, ફરિયાદ સાંભળતા નથી. ડાકોરના કનકબેન શાહ, રમીલાબેન તેમજ પ્રીતીબેન જણાવે છે કે સતત ત્રણ દિવસથી પાણી ન આવતા ઘરકામ માટે અગવડ પડી રહી છે, ડાકોરમાં પાણીના પ્રશ્ને મહિલાઓ તોબા પોકારી ઉઠયા છે, સરકાર જાગે તેમજ ઘોર પાલિકા તંત્રને જગાડે તેવી માગણી ઉઠી છે.


