પિતાની હત્યાના કેસમાં જેલમાં રહેલા પુત્રને નિશાન બનાવી વીમા એજન્ટે 1.33 લાખ ગપચાવ્યા
પોલિસી રિજેક્ટ થવાનું છુપાવી રિફંડની રકમ પોતે જ વાપરી નાખ્યાનો ભાયાવદર પોલીસમાં કેસ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભાયાવદર પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક અનોખો પરંતુ ગંભીર બનાવ નોંધાયો છે. પિતાની હત્યાના ગુનામાં જેલમાં બંધ પુત્રની પરિસ્થિતિનો લાભ લઈ એક વીમા એજન્ટે રૂ.1.33 લાખની રકમ ગેરરીતે હડપ કરી હોવાનું ફરિયાદમાં બહાર આવ્યું છે.
ઉપલેટાના રાજપરા ગામે રહેતા દેવીબેન કાનાભાઈ જોગે ચરેલીયા ગામના વીમા એજન્ટ ક્રિપાલસિંહ હુકમસિંહ વાળા વિરુદ્ધ ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દેવીબેનનો ભાઈ રામદે હાલ પિતાની હત્યાના કેસમાં રાજકોટ મધ્યસ્થ જેલમાં બંધ છે.
ફરિયાદ મુજબ, રામદેએ પિતા માટે HDFC Bankની એક વીમા પોલિસી લીધી હતી. આ પોલિસી રિજેક્ટ થતાં તેનું પ્રીમિયમ રિફંડ થવાનું હતું. રામદેએ પ્રથમ પ્રીમિયમ તરીકે રૂ.1,33,300 રોકડા વીમા એજન્ટને આપ્યા હતા. બાદમાં તપાસમાં ખુલ્યું કે પોલિસી રદ થયા પછી રિફંડની રકમ સીધી એજન્ટના ખાતામાં જમા થઈ હતી.
આ બાબત રામદે તથા તેના પરિવારથી છુપાવીને આરોપી એજન્ટે તે રકમ પોતાના ઉપયોગમાં લઈ લીધી હતી. એટલું જ નહીં, પિતાના અવસાનના થોડા દિવસો પહેલાં એજન્ટે બીજા વર્ષના પ્રીમિયમના નામે ફરી રૂ.1.33 લાખની માંગણી કરી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
જ્યારે દેવીબેને રિફંડ બાબતે ઉઘરાણી કરી ત્યારે એજન્ટે બહાનું આપ્યું હતું કે રકમ તો સીધી ગ્રાહકના ખાતામાં જ આવે છે. જોકે, પોલીસ ફરિયાદ કરવાની વાત કરતાં જ આરોપીએ ફોન પર સ્વીકાર્યું હતું કે રિફંડની રકમ તેના ખાતામાં આવી હતી અને તે ખર્ચાઈ ગઈ છે.
આ સમગ્ર મામલે ભાયાવદર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


