- અમેરિકાના દેશોમાં ડેન્ગ્યૂના કારણે દર વર્ષે 20 હજાર મોત થાય છે
- હાલ બાંગ્લાદેશમાં ડેન્ગ્યૂનો સૌથી ખરાબ પ્રકોપ
- બાંગ્લાદેશ અત્યાર સુધી એક હજારથી લોકોના વધુ મોત
વર્તમાન દાયકામાં અમેરિકા, દક્ષિણ યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં ડેન્ગ્યૂ તાવ એક મોટો ખતરો બની જશે, તેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ચીફ સાયન્ટિસ્ટ જેરેમી ફેરરે જણાવ્યું છે. ચેપી રોગોના નિષ્ણાત જેરેમીના કહેવા પ્રમાણે ગરમ તાપમાન ચેપ વહન કરતા મચ્છરો માટે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરે છે. ડેન્ગ્યૂ એશિયા અને લેટિન અમેરિકાના મોટાભાગના દેશોમાં લાંબા સમયથી આફતરૂપ બન્યો છે, જેના કારણે ત્યાં દર વર્ષે અંદાજે 20 હજાર લોકો મૃત્યુ પામે છે. મુખ્યત્વે ક્લાઇમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં વધારા અને શહેરીકરણને કારણે વર્ષ 2000થી અત્યાર સુધીમાં ડેન્ગ્યૂના ફેલાવાનું પ્રમાણ આઠ ગણું વધી ગયું છે. 2022માં દુનિયાભરમાં ડેન્ગ્યૂના કુલ 42 લાખ કેસ નોંધાયા હતા. ચાલુ વર્ષે ટ્રાન્સમિશન રેકોર્ડ સ્તરની નજીક રહેવાની ધારણા છે. હાલ બાંગ્લાદેશ ડેન્ગ્યૂના સૌથી ખરાબ પ્રકોપનો સામનો કરી રહ્યું છે, જેમાં એક હજારથી વધુ લોકોના મોત થયા છે. તેમનું એમ પણ કહેવું છે કે અમેરિકા, યુરોપ અને આફ્રિકામાં ચેપ દૂર થવાની અને સ્થાનિક બનવાની સંભાવના છે. બીજી તરફ ગ્લોબલ વોર્મિંગ નવા વિસ્તારોને ડેન્ગ્યૂ ફેલાવતા મચ્છરો માટે સાનુકૂળ બનાવે છે, જેના કારણે ડેન્ગ્યૂનો ફેલાવો વધી રહ્યો છે.
ડેન્ગ્યૂની વેક્સિન છે પણ કોઇ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી
ડેન્ગ્યૂ એક એવી બીમારી છે કે જેની વેક્સિન ઉપલબ્ધ છે પણ કોઇ સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી. આ અઠવાડિયાની શરૂઆતમાં WHOએ ડેન્ગ્યૂ જ્યાં ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા છે તેવા ક્ષેત્રોના 6થી 16 વર્ષના બાળકો/ટીનેજર્સ માટે ટેકેડા ફાર્માસ્યૂટિકલ્સની ઊઙ્ઘીહખ્તટ્વ રસીની ભલામણ કરી હતી. ડેન્ગ્યૂ ચેપગ્રસ્ત એડીસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. આ મચ્છર દિવસે કરડે છે અને છીછરા પાણીમાં પણ પ્રજનન કરે છે.