- બાપુનગર સીટ સાચવી નહીં શકનારા હિંમતસિંહ શહેર પ્રમુખ બન્યા
- રાજસ્થાન ચૂંટણીમાં હાર થતાં સાચવી રખાયેલા ફટાકડા નિમણૂકો બાદ ફોડાયા
- હિંમતસિંહ છેલ્લે વિધાનસભાની ચૂંટણીમાં પોતાની બાપુનગર બેઠક સાચવી શક્યા નથી
આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત માટે 40 સભ્યોની ઈલેક્શન કમિટી, ચેરમેન સહિત કુલ 17 લોકોની પોલિટિકલ અફેર્સ કમિટી તદુપરાંત અમદાવાદ સહિત 10 શહેર કે જિલ્લાના પ્રમુખના નામની જાહેરાત કરી છે, 10 શહેર જિલ્લા પ્રમુખોમાંથી 4 શહેર કે જિલ્લા પ્રમુખ એવા છે જેઓ છેલ્લે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જ બેઠક સાચવી શક્યા નથી, આ નેતાઓને આખા શહેર કે જિલ્લા જીતાડવાની જવાબદારી સોંપાઈ છે. નિમણૂકો જાહેર થયા બાદ શુક્રવારે સાંજે પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી, અલબત્ત, નિમણૂકોથી નારાજ કાર્યકરે એવી ટાપસી પુરાવી હતી કે, આ તો રાજસ્થાન ચૂંટણીમાં સંભવિત જીત માટે લવાયેલા ફટાકડા હતા, જે આજે ફોડીને સંતોષ માનવામાં આવ્યો છે.
પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખમાંથી હિંમતસિંહને અમદાવાદ શહેર પ્રમુખ બનાવી દેવાયા છે. હિંમતસિંહ છેલ્લે વિધાનસભાની ચૂંટણીમાં પોતાની બાપુનગર બેઠક સાચવી શક્યા નથી, હવે તેમને આખા શહેરમાં કોંગ્રેસને બેઠી કરવાની કામગીરી સોંપાઈ છે. છેલ્લે નીરવ બક્ષીએ શહેર પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું હતું. સાવરકુંડલામાં ઘરઆંગણે હાર્યા તે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતને અમરેલી, પાદરામાં છેલ્લે વિધાનસભાની ચૂંટણી હારેલા જશપાલસિંહ પઢિયારને વડોદરા અને એ જ રીતે ચૂંટણી હારનારા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને રાજકોટના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે. પ્રમુખ તરીકે જૂનાગઢમાં ભરત અમીપરા, પંચમહાલમાં ચેતનસિંહ પરમાર, ખેડામાં ચંદ્રશેખર ડાભી, નર્મદામાં પ્રફુલ પટેલ અને ડાંગમાં મૂકેશ પટેલની નિયુક્તિ કરાઈ છે. પ્રદેશ ઈલેક્શન કમિટીમાં ભરતસિંહ સોલંકી સામેલ છે, જેઓ છેલ્લે બે વાર લોકસભાની ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખી ચૂક્યા છે. નારણ રાઠવા છેલ્લી ચૂંટણીમાં આદિવાસી ક્ષેત્રમાં કંઈ ઉકાળી શક્યા નથી તે પણ આ કમિટીમાં સામેલ છે. પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા ભૂંડી રીતે હાર્યા હતા તેઓ પ્રદેશ ઈલેક્શન કમિટીમાં કામ કરશે.


