- ખેડૂતોને તેમના જ ખેતરોમાં પ્રવેશવા નહીં દઈ વીજ ટાવર નાંખવાની કામગીરી કરતા આક્રોશ
- નેતાઓ દ્વારા CM અને ઊર્જામંત્રીને રજૂઆત કરાતા તુરત જ કામગીરીને થોભાવી દેવાનો આદેશ છુટયો
- પોલીસ દ્વારા ખેડૂતોને પોતાના ખેતરમાં પ્રવેશવા દેવામાં આવતા ન હતા
હળવદ પંથકના ખેડૂતોને પોતાના ખેતરમાં પ્રવેશવા નહીં દઇ, ખેતરોમાં પાકનો સફયો કરીને નંખાતા વીજ ટાવર મામલે મુખ્યમંત્રીને જાણ થતા તેઓએ તુરંત જ કામ અટકાવી દેવાનો આદેશ આપ્યો છે. જેને પગલે હળવદ પંથકના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે.
હળવદ તાલુકાના નવા અમરાપર ગામે મામલતદારના પંચ રોજકામ વગર જ ખેતરોમાં વીજ ટાવર નાખવાની કામગીરી કરી દેવાઈ હતી. આ વેળાએ પોલીસ દ્વારા ખેડૂતોને પોતાના ખેતરમાં પ્રવેશવા દેવામાં આવતા ન હતા. સમગ્ર મામલે ખેડૂતોએ સ્થાનિક નેતાઓને રજુઆત કરી હતી. જેને પગલે સ્થાનિક નેતાઓએ હરકતમાં આવી આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. આ વીજ ટાવર પાવર ગ્રીડ કંપની દ્વારા લાકડીયાથી અમદાવાદ સુધી નખાતી 765 કેવી વીજ લાઈનના જતા. જે અંગે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ઉર્જામંત્રી કનુભાઈ પટેલને ખેડૂતોને પડતી હાલાકી અંગે ટેલિફેનીક રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અને ઊર્જામંત્રીએ મોરબી જિલ્લા કલેકટરને નવો જીઆર બહાર ન પડે ત્યાં સુધી કામ બંધ રાખવાની સૂચના આપી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યુંછે.


