- CO, પ્રમુખ, કારોબારી ચેરમેન દ્વારા નિવૃત્ત સફાઈ કામદારોને ગ્રેચ્યુઈટીના ચેક અપાયા
- ગત તા.15મી જુલાઈને સોમવારથી પાલિકા કચેરી બહાર ધરણાં શરૂ કરાયા હતા
- પાલિકા દ્વારા નિવૃત કર્મીઓને ગ્રેચ્યુઈટીની રકમના ચેકનું વિતરણ કરાયુ
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોને નિયમિત પગાર, નિવૃત કર્મીઓને ગ્રેચ્યુઈટી સહિતના પ્રશ્નો સતાવી રહ્યા હતા. ત્યારે પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં થતા ગત તા. 15મીથી સફાઈ કામદારોએ પાલિકા કચેરી બહાર પ્રતીક ધરણાંની શરૂઆત કરી હતી. ત્યારે તા. 29મીએ 15 દિવસે આ આંદોલનનો અંત આવ્યો છે. અને પાલિકા દ્વારા નિવૃત કર્મીઓને ગ્રેચ્યુઈટીની રકમના ચેકનું વિતરણ કરાયુ હતુ.
પાલિકામાં કામ કરતા સફાઈ કામદારોના વિવિધ પ્રશ્ને ગુજરાત રાજય કર્મચારી સંઘ દ્વારા લડત લડવામાં આવે છે. છેલ્લા થોડા સમયથી રજૂઆતો કરવા છતાં નિવૃત સફાઈ કામદારોના ગ્રેચ્યુઈટી, પીએફ, કરાર આધારિત સફાઈ કામદારોના તા. 1થી 10 સુધીમાં નિયમિત પગાર, કોન્ટ્રાકટર દ્વારા ઈપીએફની રકમ ભરાતી ન હોવા, લઘુત્તમ વેતન મુજબ પગાર સહિતના પ્રશ્નોનું નિરાકરણ આવતુ ન હતુ. આથી ગુજરાત રાજય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા, વલ્લભભાઈ મારૂ, અરૂણ વાઘેલા, ભીખાભાઈ પાટડીયા સહિતનાઓ દ્વારા તા. 15મીએ સફાઈ કામદારોએ પાલિકા કચેરી બહાર પ્રતીક ધરણાંની શરૂઆત કરી હતી. અને કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપીને આ બાબતે ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ હતી. ત્યારે છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા આંદોલનનો તા. 29મીએ અંત આવ્યો છે. અને પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા, કારોબારી ચેરમેન જીતેન્દ્રસીંહ ચાવડા, ચીફ ઓફીસર સાગર રાડીયા દ્વારા નીવૃત સફાઈ કર્મીઓને ગ્રેચ્યુઈટીની રકમના ચેક અપાયા હતા. આ ઉપરાંત કોન્ટ્રાકટ બેઈઝ સફાઈ કામદારોને ઈપીએફને રકમ કપાત, લઘુત્તમ વેતન મુજબ પગાર તા. 1થી 10 સુધીમાં કરવા પાલિકાએ સુચના આપી છે.


