- બિગ બેશ લીગ 2023-24ની થઈ શરૂઆત
- ગ્લેન મેક્સવેલની ટીમની પ્રથમ મેચમાં થઈ હાર
- મેક્સવેલ માત્ર 23 રન બનાવી શક્યો
બિગ બેશ લીગ 2023-24ની શરૂઆત થઈ ચૂકી છે. આની પ્રથમ મેચ ગ્લેન મેક્સવેલના નૈતૃત્વવાળી ટીમ મેલબર્ન સ્ટાર્સ અને બ્રિસ્બેન હીટ વચ્ચે થઈ હતી. મેક્સવેલની ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બ્રિસ્બેન હીટે 103 રને જીત મેળવી છે. મહત્વની વાત એ છે કે, આ મેચમાં મેક્સવેલ સાથે માર્કસ સ્ટોઇનિસ પણ નિષ્ફળ રહ્યો છે. મેક્સવેલ માત્ર 23 રન બનાવીને આઉટ થયો છે, જ્યારે સ્ટોઇનિસ 2 રન બનાવીને આઉટ થયો છે.
બ્રિસ્બેન હીટે 214 રન બનાવ્યા હતા
બ્રિસ્બેન હીટે આ મેચમાં પ્રથમ બેટિંગ કરીને 3 વિકેટના નુકસાને 214 રન બનાવ્યા હતા. આ દરમિયાન કોલિન મુનરોએ શાનદાર બેટિંગ કરી હતી. તેમણે અણનમ 99 રન બનાવ્યા હતા. મુનરોએ 61 બોલનો સામનો કરીને 9 ફોર અને 5 સિક્સ ફટકારી છે. કેપ્ટન ખ્વાજાએ 19 બોલમાં 28 રન બનાવ્યા છે. તેમણે 4 ફોર પણ ફટકારી છે. લાબુશેને 30 રન બનાવ્યા છે. મેક્સ બ્રાયંટે અણનમ 15 રન બનાવ્યા છે.
મેલબર્નની ટીમ 111 રનમાં થઈ ઓલઆઉટ
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મેલબર્નની ટીમ 15.1 ઓવરમાં ઓલઆઉટ થવા સુધી માત્ર 111 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન કેપ્ટન મેક્સવેલ 23 રન બનાવીને આઉટ થયો હતો. તેમણે 14 બોલમાં 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જો બર્ન્સે 22 રનનું યોગદાન આપ્યું હતું. માર્કસ સ્ટોઇનિસે 3 બોલમાં 2 રન બનાવ્યા હતા.
મિચેલ સ્વેપે ઝડપી 3 વિકેટ
બ્રિસ્બેન હીટ માટે મિચેલ સ્વેપને 3 વિકેટ લીધી હતી. તેમણે 3.1 ઓવરમાં 23 રન આપ્યા હતા. મિચેલ નેસરે 3 ઓવરમાં 30 રન આપીને 2 વિકેટ લીધી છે. જેવિયરે પણ 2 વિકેટ પોતાના નામે કરી છે. જોહનસન અને કુહનમેનને એક-એક વિકેટ મળી છે.
બ્રિસ્બેન હીટ પોઈન્ટ ટેબલમાં ટોપ પર
ઉલ્લેખનીય છે કે, બિગ બેશ લીગની આ સિઝનની આગામી મેચ સિડની સિક્સર્સ અને મેલબર્ન રેનેગેડ્સ વચ્ચે રમવામાં આવશે. જે બાદ શનિવારે એડિલેડ અને બ્રિસ્બેન હીટ વચ્ચે મેચ રમવામાં આવશે. આ સિઝનના પોઈન્ટ ટેબલમાં બ્રિસ્બેન હીટ ટોપ પર પહોંચી છે. બ્રિસ્બેન હીટે એક મેચ જીતી છે. આ જીતને લઈ તેની પાસે 2 પોઈન્ટ્સ છે.


