- દરરોજના 400 જેટલાં ટ્રેક્ટરો લઈને ખેડૂતો આવી રહ્યાં છે
- ખેડૂતો માટે એપીએમસી દ્વારા ભોજનની પણ વ્યવસ્થા ઊભી કરાઈ
- માર્કેટયાર્ડમાં રાત્રે પણ ટ્રેક્ટરોની આવક સતત ચાલુ હોય છે
માંડલ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટયાર્ડમાં હાલ દરરોજ સવારે તુવેર લઈને આવનાર ખેડુતોની સંખ્યા વધતી જાય છે. શિયાળાની ઋતુ પણ હવે વિરામ તરફ આગળ વધી રહી છે બીજીબાજુ ખેડુતોમાં પણ હવે સીઝનનો તૈયાર થઈ રહેલો પાક બજારમાં વેચાણ માટેની હોંશ જોવા મળી રહી છે. માંડલ તાલુકા વિસ્તારમાં મોટાભાગે તુવેરનો પાક તૈયાર થઈ ગયો છે અને માર્કેટમાં આવક પણ દિવસે ને દિવસે વધતી જાય છે. હાલ માર્કેટયાર્ડમાં ચોતરફ તુવેરની જણસીના મોટા ઢગલાઓ જોવા મળે છે. તાલુકાના 37 ગામો સહિત આસપાસના પંથકના ખેડુતો પણ માંડલની માર્કેટયાર્ડમાં પોતાની જણસને લઈ ટેકાના ભાવે સોદા કરવા તેમજ હરાજી પ્રક્રિયામાં ભાગ લેવા માટે આવતાં હોય છે. આજે સોમવારે પણ માર્કેટયાર્ડમાં 7100 બોરીની આવક થઈ હતી જેની સામે ખેડુતોને 1901 થી લઈને 2201 સુધીના પોષણક્ષમ ભાવો આપવામાં આવ્યાં હતાં. માર્કેટયાર્ડમાં તાજેતરમાં ખેડુતોના કામમાં વિલંબ ના થાય તે માટે નવા વેબ્રીજનું પણ લોકાર્પણ કરાયું છે. હાલ બે વેબ્રીજ ઉપર ખેડુતો પોતાની માલસામાનની નોંધ કરાવી શકે છે ત્યારે બીજીબાજુ હરાજી પણ દિવસભર ચાલતી હોય છે ખેડુતોને સારા ભાવો મળે અને વેપારીઓને સારો માલ મળે તેને લઈ હાલ માર્કેટયાર્ડમાં ખેડુતો અને વેપારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. માર્કેટયાર્ડમાં રાત્રે પણ ટ્રેક્ટરોની આવક સતત ચાલુ હોય છે લગભગ દરરોજના 300 થી 400 જેટલાં ટ્રેક્ટરોની કતારો લાગે છે.


