એક શેઠ એક સાધુને મળ્યા. સાધુને પ્રણામ કરીને શેઠે કહ્યું, `બાબા! હું પ્રાર્થના કરવા માગું છું, પરંતુ તમામ પ્રયત્નો કરવા છતાં પ્રાર્થના કરી શકતો નથી. હું જ્યારે પણ ધ્યાન લગાવવાનો પ્રયત્ન કરું છું ત્યારે મારી આગળ દુનિયાની વસ્તુઓ સામે આવી જાય છે. ધન કમાવા અને પારિવારિક તણાવ અંગે જ વિચારવા લાગું છું. હવે તમે જ ઉપાય જણાવો કે મારે પ્રાર્થનામાં મન લગાવવા માટે શું કરવું જોઈએ?’
આ સાંભળીને સાધુ મહારાજ શેઠને એક રૂમમાં લઈ ગયા, જેની બારીઓમાં કાચ લાગેલા હતા. સાધુએ શેઠને કાચની પારનું દૃશ્ય દેખાડ્યું. તેમાંથી ઝાડ-પાન, તેની ઉપર કલબલ કિલ્લોલ કરતાં પક્ષીઓ અને બીજી કેટલીક વસ્તુઓ નજર આવતી હતી. આ દૃશ્ય જોઈને શેઠ પ્રસન્ન થઈ ગયા. ત્યારબાદ સાધુ તેને બીજા એક રૂમમાં લઈ ગયા જેની બારી પર ચાંદીનું ચમકતું પતરું લગાવેલું હતું. સાધુ બોલ્યા, `શેઠજી! જરા જુઓ તો આ ચાંદીના ચમકતા પતરાની પેલે પાર તમને શું દેખાય છે?’
શેઠ ચાંદીથી ચમકતા પતરા પાસે ગયા તો તેમને પોતાના ચહેરા સિવાય બીજું કાંઈ ન જોવા મળ્યું. કાચની બારીમાંથી જોયેલાં મનોરમ દૃશ્યો તે પતરામાં ખોવાઈ ગયાં હતાં. આ જોઈને શેઠ બોલ્યા, અહીં તો બહારની દુનિયા જ ગાયબ છે. ચાંદીથી ચમકતા આ પતરામાં મને મારા ચહેરા સિવાય કશું જ નથી દેખાતું, જ્યારે કાચમાંથી મને બહારનાં મનોરમ દૃશ્યો જોવા મળતાં હતાં.’
શેઠજીની વાતો સાંભળીને સાધુ બોલ્યા, `તમે એકદમ સાચું કહ્યું. આ પ્રમાણે તમે પણ પ્રાર્થના કરતી વખતે પોતાની ઉપર ચાંદીની પરત (આવરણ) ચડાવી રાખો છો. આથી તમને તેમાં પોતાના ચહેરા અને અહંકાર સિવાય બીજું કાંઈ નથી દેખાતું. જો તમે સ્વયંને કાચની જેમ પારદર્શક અને સ્વચ્છ બનાવશો તો જ પ્રાર્થનામાં તમારું ધ્યાન સહજ રીતે લાગી જશે.’ શેઠને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે જ ક્ષણે નિશ્ચય કર્યો કે હવે તેઓ અર્થહીન વસ્તુઓને પોતાની પ્રાર્થનાની વચ્ચે અડચણરૂપ નહીં બનવા દે અને તે જ ક્ષણથી શેઠજીનું મન પ્રાર્થનામાં લાગી ગયું.