‘અગ્ર ગુજરાત’નું રિયાલિટી ચેક : રાજકોટ મનપાએ પ્રિ-મોન્સુન કામગીરીમાં ચોપડે ચોખ્ખા ચણાક કરી નાખેલા મોટાભાગના વોંકળામાં ગંદકીના થર
મ્યુ.કમિશનર દેવાંગ દેસાઇ અને મેયર નયનાબેન પેઢડિયા એક વખત રૂબરૂ જઇને તપાસ કરે તો સત્ય હકિકત બહાર આવે
રાજકોટ મહાપાલિકાને કહેવાતી પ્રિ-મોન્સુન કામગીરી કાગળ પર દેખાડવામા ગોલ્ડ મેડલ દેવો પડે તેમ કહીએ તો પણ કંઇ અતિશયોક્તિ નથી. દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીનો રિપોર્ટ, ખાસ કરીને વોંકળા સફાઇના નામે જે નાટક કરવામા આવે છે તેનો પ્રથમ વરસાદમાં જ પરપોટો ફૂટી જાય છે. આ વખતે પણ મનપાએ આ કૂટેવ છોડી નથી. શહેરમાં નાના-મોટા ૪૦ વોંકળાની સફાઇ થઇ ચુકી હોવાનો ઉઠ્ઠા ભણાવતો અસ્સલ મજાનો રિપોર્ટ તૈયાર કર્યો છે! છેલ્લાં એક મહિનાથી રોજના ૨ જેસીબી અને 3૭ કામદારોના સ્ટાફને કામે લગાડવામા આવ્યો હોવાનું કાગળ પર ચિતરવામા આવ્યું છે. ચોમાસુ શરૂ થઇ ચુક્યુ છે. આ વખતે હાલત એવી થઇ છે કે, ટીઆરપી કાંડ બાદ આખુ મનપા તંત્ર ફાયર સેફ્ટીના સર્વેમાં ધંધે લાગ્યુ હતુ અને પ્રિ-મોન્સુન કામગીરી કાગળ પર જ દેખાડી દેવામા આવી. પરિણામે એક ઝાપટુ પડે ત્યા વોંકળાની ગંદકી સપાટી પર આવી જાય છે! ‘અગ્ર ગુજરાત’એ કરેલા રિયાલિટી ચેકઅપમાં પ્રિ-મોન્સુન કામગીરીના નામે થયેલુ નાટક સામે આવી ગયુ છે. પ્રિ-મોન્સુન કામગીરીમાં જે વોંકળામાં સફાઇની કામગીરી થઇ ચુકી છે તેવી યાદી મનપાએ બનાવેલી છે એ તમામ જગ્યાએ ‘અગ્ર ગુજરાત’ની ટીમ ગઇ હતી. અમુક વોંકળામાં તો પગ ખૂંચી જાય તેવી ગંદકીના થર જામેલા હતા. વોંકળા સફાઇના નામે જેસીબી, તેનુ ડિઝલ અને વોંકળામાંથી નીકળેલી ગંદકી બહાર ઠલવવા માટે ડમ્પરના ફેરાનો પડતર ખર્ચ સહિત કાગળ પર રૂ.૫૧.3૦ લાખથી વધુનો ખર્ચ દેખાડવામા આવ્યો હોવાનું જાણવા મળે છે. વાસ્તવિકતા જોતા સ્પષ્ટપણે માનવુ પડે કે વોંકળા સફાઇના નામે આ પોણો કરોડ રૂપિયા ઓહિયાં થઇ ગયા!
૬૦૦૦ ટન કચરો નીકળ્યાનો દાવો પોકળ
છેલ્લા એક મહિનાથી વોંકળા સફાઇ પૂરજોશથી ચાલી રહી છે તેવુ હાવ મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ ઉભો કર્યો છે. ત્યાં સુધી કે મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીને પણ ઉઠ્ઠા ભણાવતા આંકડાની માયાજાળ રચી છે. અત્યાર સુધીમાં નાના-મોટા ૪૦ જેટલા વોંકળામાંથી ૬૦૦૦ ટનથી વધુ કચરો નીકળ્યો હોવાના પોકળ દાવાનો પર્દાફાશ ‘અગ્ર ગુજરાત’ના રિયાલિટી ચેકઅપમાં થઇ ચુક્યો છે.
આ છે શહેરના સૌથી મોટા વોંકળા
- જનકલ્યાણના ફાટકથી શરૂ થઇને એસ્ટ્રોન ચોક, સર્વેશ્વર ચોક, ગવલીવાડ, સદર, મોટી ટાંકી, સ્ટોક એક્સચેન્જ, લવલી ગેસ્ટ હાઉસ, ઠાકર લોજ, મોચીબજારના ખાડા પાસેથી થઇને આજી નદીમાં ભળે છે.
- એરપોર્ટ પાસે ગીતગુર્જરી પમ્પીંગ સ્ટેશનથી શરૂ કરીને રેસકોર્સપાર્ક, મારૂતિનગર, પોલીસ હેડક્વાર્ટર, જામનગર રોડ, પરસાણાનગર, રેલનગર, સેન્ટ્રલ જેલ પાછળ થઇને નદીમાં ભળે છે.
- ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેની શાળા નજીકથી ચાલુ કરીને વિજય પ્લોટ, કેનાલ રોડ, ચૌહાણનું બુગદુ, જિલ્લા ગાર્ડન, રામનાથપર પાછળના ભાગેથી લઇને આજી નદીમાં ભળે છે.
- રાંદરડા તળાવ પાસેથી શરૂ થઇને સંતકબીર રોડ, પેડક રોડ, કુવાડવા રોડ, સદગુરુઆશ્રમ પાસેથી થઇને જુના સ્ટેશન રોડથી આજી નદીમાં ભળે છે.
‘વોંકળા ગેંગ’ના કર્મચારીઓ વ્હાઇટ કોલર બની ગયા!
વર્ષો પહેલા ભાજપે કાર્યકર્તાઓ અને લાગતા વળગતાઓને સાચવી લેવા માટે મહાપાલિકામાં વોંકળા ગેંગ ઉભી કરાવી હતી. એ વખતે વાત એવી હતી કે, આ ગેંગમાં ભરતી થનારે વોંકળા સફાઇનું જ કામ કરવાનું રહેશે. બાદમાં ભારે ચાલાકીપુર્વક વોંકળા ગેંગનું વિસર્જન કરી નખાયુ અને તેમાના 3૦ કર્મચારીને મનપાની વિવિધ શાખામાં વાઇટ કોલર કામગીરી ઉપર લગાડી દેવાયા. હવે વોંકળા સફાઇ માટે ખાનગી કોન્ટ્રાક્ટ આપવો પડે છે.
પર્યાવરણ ઇજનેરનો ખુલાસો
પ્રિ-મોન્સુન કામગીરીમાં વોંકળા સફાઇની કામગીરી ક્યાં પહોંચી? એવા સવાલના જવાબમાં મનપાના પર્યાવરણ ઇજનેર નિલેષ પરમારે એવુ કહ્યુ હતુ કે, “અત્યાર સુધીમાં ૪૦ વોંકળા સંપુર્ણપણે સફાઇ થઇ ચુક્યા છે. રોજના બે જેસીબી અને 3૭ જણાના સ્ટાફને કામે લગાડવામા આવ્યા છે. હવે માત્ર બે જ વોંકળા બાકી છે.”